'વાઈબ્રન્ટ ગુજરાત'નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર

File Photo |
Gujarat News: કરોડોના ખર્ચે વાઇબ્રન્ટ ગુજરાત યોજી એવો દાવો કરાયો છે કે, ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શિક્ષિત યુવાઓ માટે રોજગારીની તકો વધી રહી છે. પણ સ્થિતિ કંઇક ઉલટી છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટને પગલે વાઇબ્રન્ટ ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો છે તેનું કારણ એ છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 11 હજાર નાના-લઘુ ઉદ્યોગોને ખંભાતી તાળાં લાગ્યાં છે. પ્રોત્સાહનના અભાવે બંધ થતાં લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેથી લોકોને રોજી વિહોણાં થવુ પડ્યુ છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના દસ ગામમાં 200થી વધુ ઘુડખરોના ટોળાએ ખેતરમાં ઉભા રવી પાકનો સોથ વાળ્યો
2024-25માં 3534 લઘુ ઉદ્યોગ બંધ થયા
એક તરફ, વાઇબ્રન્ટ ગુજરાત યોજાઇ રહ્યો છે. વર્ષ 2024-25માં બંધ થનારાં મોટા ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. એટલુ જ નહીં, મોંઘીદાટ જમીનો અને કરોડો રૂપિયાની સબસિડીની લ્હાણી કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ નાના લઘુ ઉદ્યોગોને સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન જ આપવામાં આવતુ નથી. પરિણામે ગુજરાતમાં નાના લઘુ ઉદ્યોગોને માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ખુદ કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ છે જેમાં એવા તારણો રજૂ થયાં છે કે, વર્ષ 2020-21માં 67 લઘુ ઉદ્યોગો બંધ થયા હતા ત્યાર બાદ આ સીલસીલો આજ દીન સુધી યથાવત રહ્યો છે. વર્ષ 2024-25માં બંધ થનારા લઘુ ઉદ્યોગોની સંખ્યા વધીને 3534 સુધી પહોંચી ગઈ હતી. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10,948 નાના લઘુ-ઉદ્યોગો બંધ પડ્યા છે જેના કારણે કુલ મળીને 54,901 લોકોએ બેરોજગાર થવુ પડ્યું છે.
ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા લઘુ ઉદ્યોગ
લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલાં નાના લઘુ ઉદ્યોગોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમકે, વર્ષ 2023-24માં 13 લાખથી વધુ લઘુ ઉદ્યોગો ઉદ્યમ પોર્ટલ પર નોંધાયા હતાં. જ્યારે વર્ષ 202-26માં આ સંખ્યા ઘટીને 5,30,160 થઈ છે. આ જોતાં એ વાત પ્રસ્થાપિત થઇ છે કે, લઘુ ઉદ્યોગો બંધ થઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને
ગુજરાતમાં કેટલાં લઘુ ઉદ્યોગો બંધ થયાં, કેટલાંએ રોજગારી ગુમાવી
વાઇબ્રન્ટ ગુજરાત યોજી સરકારે વાહવાહી મેળવી લીધી છે હવે રાજ્ય સરકારે અત્યારે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટનો તુક્કો અજમાવ્યો છે જે પણ સફળ થાય તેમ લાગતુ નથી. મોટા ઉદ્યોગો પ્રત્યે સરકારની અમી નજર રહી છે જેથી નાના લઘુ ઉદ્યોગોની ધરાર અવગણના થઈ રહી છે. પ્રોત્સાહનના અભાવે લઘુ ઉદ્યોગો બંધ પડી રહ્યાં છે જેણે સરકારની નિષ્ફળ ઉદ્યોગ નીતિને ખુલ્લી પાડી છે.

