Get The App

અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
અમૂલ ડેરીના ચેરમેન, વાઈસ ચેરમેન માટે આણંદ અને ખેડાના 4 દાવેદારો મેદાને 1 - image


- 15 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, હોદ્દેદારની પણ જાહેરાત થશે

- સામાન્ય ચૂંટણીમાં ભાજપે 13 માંથી 11 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં સર્વાનુમતે એક નામ નક્કી કરવામાં વિલંબ થતો હતો

આણંદ : આણંદની અમૂલ ડેરીની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં ભાજપે ૧૩માંથી ૧૧ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે હજુ સુધી ચૂંટણીઓ જાહેર ન થવાથી ભાજપમાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું હતું. હવે ૧૫ ડિસેમ્બરના રોજ અમૂલની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. અમૂલમાં ૧૫ ડિસેમ્બરે બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે અને તે જ દિવસે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત પણ કરવામાં આવશે.

અમૂલની બે મહિના અગાઉ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ખેડા જિલ્લાની આઠ બેઠકોમાંથી સાત બેઠકો ઉપર જીત મેળવી હતી. જ્યારે આણંદ જિલ્લાની ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ઉપર જીત મેળવી હતી અને ખેડૂત વિભાગની એક બેઠક પણ ભાજપ જીતવામાં પ્રથમ વખત સફળ રહ્યું હતું. જેથી અમૂલની કુલ ૧૩ બેઠકમાંથી ૧૧ બેઠક ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી હતી. અમૂલ ડેરીના ૧૩ સભ્યો આણંદ અને ખેડા જિલ્લા એમ બંને જિલ્લામાં વહેંચાયેલા છે. હાલ આણંદ જિલ્લામાંથી કેડીસીસીના ચેરમેન તેજસ પટેલના પત્ની બીનાબેન પટેલ અને અમુલના વાઇસ ચેરમેન અને આણંદ બેઠકના કાંતિભાઈ સોઢા પરમાર પણ ચેરમેન પદના દાવેદાર ગણાઈ રહ્યાં છે. જ્યારે ખેડા જિલ્લામાંથી બાલાસિનોર બેઠકથી વિજેતા થયેલા પપ્પુ પાઠક અને હાલ અમૂલના ચેરમેન નડિયાદના વિપુલ પટેલ પણ સક્ષમ દાવેદારી નોંધાવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.

આણંદ અને ખેડા જિલ્લાના ધારાસભ્યો તથા સંસદ સભ્ય અને સંગઠનના અગ્રણીઓ વચ્ચે વારંવાર બેઠકો યોજાઈ હોવા છતાં બંને જિલ્લામાંથી જ્ઞાાતિવાદના સમીકરણોના આધારે કયા જિલ્લામાંથી ચેરમેન બનાવવો અને કયા જિલ્લામાંથી વાઇસ ચેરમેન બનાવો તે સંદર્ભે હજુ પેચ ફસાઈ રહ્યો હતો. જે સંદર્ભે અંદરખાને ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની પણ પસંદગી થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી હવે ૧૫ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરી દેવાઇ છે.

અમૂલની ચૂંટણીમાં ચેરમેનના દાવેદારો બીનાબેન પટેલ, કાંતિભાઈ સોઢા પરમાર, પપ્પુભાઈ પાઠક અને વિપુલભાઈ પટેલના જણાવ્યા મુજબ પાર્ટી દ્વારા જેમની પસંદગી કરવામાં આવશે તેને અમે સ્વીકારીશું. પરંતુ દાવેદારી કરવી એ અમારો અધિકાર છે. જેથી ચેરમેનના પદની રેસમાં અમે પણ જોડાયેલા છીએ. જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે પક્ષ તરફથી જેને મેન્ડેટ આપવામાં આવશે, તેને અમે માન્ય રાખીશું.

Tags :