VIDEO: આ ગુડ્સ ટ્રેન નથી: વડોદરા હાઈવે પર વાહનોની લાંબી કતારો, જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
Baroda News : ગુજરાતના વડોદરા નજીકના નેશનલ હાઈવે 48 ઉપર ફરી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જેમાં આજે (23 જુલાઈ) સવારે જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો બે કલાકથી અટવાયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે, પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે. જેના પરિણામે વરણામાથી તરસાલી સુધીના માર્ગ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે. ખાડાઓના કારણે વાહન ચાલકો માટે જામ્બુવા બ્રિજ ઉપરથી પસાર થવું કપરું સાબિત થઈ રહ્યું છે.
જામ્બુવા બ્રિજ પાસે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ
વડોદરા નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારથી જ જામ્બુવા બ્રિજ હાઈવે 48ના રોડ ઉપર ટ્રાફિક જામ થતાં અનેક વાહન ચાલકો સહિત આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 15 કિલોમિટર લાંબા ટ્રાફિકજામમાં એમ્બ્યુલેન્સ પણ અટવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ
તમને જણાવી દઈએે કે, અગાઉ 19 જૂન, 26 જૂન, 28-29 જૂનના રોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જ્યારે હવે આ પ્રકારે આજે પણ અનેક વાહનચાલકોને ટ્રાફિકથી મુશ્કેલી પડી હતી. જેમાં 34 દિવસમાં 5 વખત ટ્રાફિકજામ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે.
વાહન ચાલકો અને સ્થાનિકોનું કહેવું છે કે, 'રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને રોડ એકદમ બત્તર હાલતમાં છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને ખાડાના કારણે વાહન ધીમી ગતિએ ચલાવતા ટ્રાફિકજામની સ્થિતિ ઊભી થાય છે.'