વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી હતી લાંચ

Vapi News: વાપી સ્થિત CGST એન્ડ સેન્ટ્રલ એકસાઈઝ કચેરીના આસિ.એકાઉન્ટન્ટ અને સિનિયર એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા હતા. ફરિયાદી ફરિયાદીના ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા લાંચની માંગણી કરી હતી. એસીબીએ ગોઠવેલા છટકામાં બન્નેને કચેરીમાં જ લાંચ લેતા પકડી પાડ્યા હતા.
બિલ પાસ કરવા કરી હતી નાણાની માંગણી
વાપી સ્થિત CGST એન્ડ સેન્ટ્રલ એકસાઇઝ કચેરીમાં ફૂલછોડના કુંડાનો ઓર્ડર આપ્યા બાદ એક શખ્સે ડીલીવરી કરી હતી. આ શખ્સે કુંડાનું બિલ પણ રજૂ કર્યા બાદ લાંબા સમય સુધી બિલ પાસ ન થતા વારંવાર ધક્કા ખાવા પડ્યા હતા. બાદ બિલ પાસ કરાવવા કચેરીમાં ફરજ બજાવતા આસિ. એકાઉન્ટન્ટ કપીલ નટવરલાલ જૈન (ઉ.વ.35) અને રવિશંકર શ્યામાકાંત ઝા (ઉ.વ.47) ને વાત કરી હતી. બન્નેએ બિલ પાસ કરવા નાણાંની માંગણી કરી હતી અને રૂ.2 હજાર આપવા જણાવ્યું હતું.
ACBના છટકામાં બન્ને કચેરીમાં જ લાંચ લેતા પકડાયા
બન્ને કર્મચારીએ લાંચની માંગણી કરતા વલસાડ-ડાંગ જિલ્લા લાંચ રૂશ્વત વિભાગને ફરિયાદ કરાઇ હતી. જે સંદર્ભે એસીબીના પી.આઈ.એસ.એન.ગોહિલ અને ટીમે આજે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદ જીએસટી ભવનાથ ચોથા માળે પહોંચી બન્નેને મળી વાતચીત કરી હતી. બાદમાં બે પૈકી કપિલ જૈને નાણાં માગતા રૂ.2 હજાર આપ્યા હતા. જો કે તુરંત જ એસીબીની ટીમ દોડી જતા બન્નેને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. એસીબીએ બન્ને લાંચિયા કર્મચારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી આદરી છે.