અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફાઈકર્મી જ નીકળ્યા આરોપી

Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથ–વસુપુજ્ય જૈન દેરાસરમાંથી ₹1.14 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી મામલે પૂજારી અને સફાઈ કર્મચારી તરીકે કામ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ, ફરિયાદી રાજેશ ચંપકલાલ શાહ (ઉંમર 54), જે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ છે, તેમણે જણાવ્યું કે 27 જુલાઈ 2023થી 8 ઓક્ટોબર 2025 દરમિયાન દેરાસરમાંથી ચોરી થઈ હોવાનું અનુમાન છે. નિયમિત ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે દેરાસરની બેઝમેન્ટમાં આવેલા લોકરમાંથી કિંમતી ચાંદીના શણગારના સામાન અને મૂર્તિના આભૂષણો ગુમ છે.
ચાંદીની વસ્તુઓની કિંમત આશરે ₹1.14 કરોડ
ચોરી થયેલી ચાંદીની વસ્તુઓમાં મુકુટ, કુંડળ, પેન્ડન્ટ, દિવાલની શોભા વધારતા ચાંદીના આર્ટિફેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. કુલ 117 કિલો (લગભગ 335 ગ્રામ ચાંદી) વજનની આ વસ્તુઓની કિંમત ₹1.14 કરોડ જેટલી ગણવામાં આવી છે. તેમાં ભગવાન શીતલનાથ અને ભગવાન વાસુપૂજ્યની “અંગી” (મૂર્તિના વસ્ત્રો) અને મુકુટો પણ સામેલ છે.
ડુપ્લિકેટ ચાવીઓ બનાવી દેરાસરની કિંમતી ચાંદીની વસ્તુઓની કરી ચોરી
આ કેસમાં ત્રણ આરોપીઓ - પૂજારી મેહુલ હરિસિંહ રાઠોડ તથા સફાઈ કર્મચારી તરીકે કામ કરતું દંપતી કિરણ વધરી અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરીબેનની પોલીસે ધરપકડ કરી છે. પાલડી પોલીસે હેતલને અને ક્રાઈમ બ્રાંચે અન્ય બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે જણાવ્યું કે ત્રણે આરોપીઓએ બેઝમેન્ટ લોકર માટે ડુપ્લિકેટ ચાવીઓ બનાવી દેરાસરની કિંમતી ચાંદીની વસ્તુઓ ચોરી કરી હતી.
CCTV ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, 4 ઑક્ટોબરના રોજ CCTV ફૂટેજમાં જોવા મળ્યું કે પૂજારી મેહુલ રાઠોડે બપોરે લગભગ 2:45 વાગ્યે કેમેરાની મુખ્ય વીજ સપ્લાય બંધ કરી દીધી હતી અને સાંજે 5:30 વાગ્યે ફરી ચાલુ કરી હતી. ત્યારબાદ 9 ઑક્ટોબરે તે વહેલી સવારે શહેર છોડી ગયો અને પાછો ફર્યો નથી.
સફાઈ કર્મચારી દંપતી અચાનક ગાયબ
દેરાસરના ટ્રસ્ટીઓ અને જૈન સંગના સભ્યોએ તપાસ દરમિયાન ખાતરી કરી કે આભૂષણો ગાયબ છે. સાથે જ જાણવા મળ્યું કે સફાઈ કર્મચારી દંપતી, જે દેરાસરની પાછળ ટ્રસ્ટની માલિકીની ફ્લેટમાં રહેતું હતું, તે પણ અચાનક ગાયબ થઈ ગયું છે અને તાજેતરમાં ફોર વ્હીલ કાર ખરીદી છે, જ્યારે તેમનું આવક ખૂબ ઓછી હતી.
આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી SCએ ફગાવી, ધરપકડની શક્યતા
વિશ્વાસઘાત અને ચોરીના ગુનાનો દાખલો નોંધ્યો
ફરિયાદી રાજેશ શાહે આક્ષેપ કર્યો કે મેહુલ રાઠોડ અને દંપતીએ મળીને દેરાસરની બેઝમેન્ટમાં અને ગર્ભગૃહમાંથી ચાંદીની વસ્તુઓ ચોરી કરી હતી, જે દેરાસરના રિનોવેશનના કામ દરમ્યાન તાત્કાલિક નીચે ખસેડવામાં આવી હતી. પાલડી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની લાગુ કલમો હેઠળ વિશ્વાસઘાત અને ચોરીના ગુનાનો દાખલો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.