રાજકોટના TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયા જેલની બહાર મનાવશે દિવાળી, HCમાંથી જામીન મળતા જેલમુક્ત

Rajkot Game Zone Fire Case: રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દિવાળી તહેવાર પૂર્વે ગુજરાત હાઈકોર્ટમાંથી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે મનસુખ સાગઠિયાને અપ્રમાણસર મિલકત કેસમાં ગઈકાલે જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ આજે તેઓ જેલ મુક્ત થયો છે. જેથી હવે તે જેલની બહાર દિવાળી મનાવશે.
મળતી માહિતી અનુસાર, TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠીયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી અગાઉ બે કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા. આરોપી મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ ત્રીજા કેસમાં જામીન મળતા તે જેલ મુક્ત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં નાના બાળકો, તેના પરિવારના કેટલાક લોકો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તપાસના અંતે મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.