આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા
Valsad News: ભાજપની ત્રણ દાયકાની કહેવાતી વિકાસશીલ સરકારના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવાઓ એક પછી એક પોકળ સાબિત થઈ રહ્યા છે. એવામાં વલસાડના એક ગામમાં અંતિમયાત્રા દરમિયાન સ્મશાન સુધી પહોંચવા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, આખા ગામમાં કેડ સમા પાણી ભરાયેલા હતા અને રસ્તાના અભાવે જીવના જોખમે લોકો અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચોઃ કોર્પો. સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય
વિકાસ ઉઘાડો પડ્યો!
વલસાડ જિલ્લામાં વિકાસની નરી વાસ્તવિકતા સામે આવી રહી છે. અંતરિયાળ આદિવાસી જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ લોકો વિકાસની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, આ એવો જિલ્લો છે કે જેના રહીશોએ મૃત્યુ પછી પણ માનવીય સંઘર્ષ કરવો પડે છે. એકવાર ફરી માનવતા ને લજવતાં દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ગામોમાં સ્મશાનભૂમિ નથી તો કેટલાક ગામોમાં સ્મશાનભૂમિ સુધી પહોંચવાના રસ્તા જ નથી.
જીવના જોખમે કાઢી સ્મશાન યાત્રા
ધરમપુર તાલુકાના મોહના કાઉચાલી ગામના બે ફળિયાના અંદાજિત 1200 જેટલા લોકોને રસ્તો, બ્રિજ, અને સ્મશાન ભૂમિના અભાવે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગામમાં ખાસ કરીને કુમ્ભયાપાડા અને ભૌટણ ફળિયાના લોકો વર્ષોથી વિકાસથી સંપૂર્ણ વંચિત છે. ગુરૂવારે (28 ઓગસ્ટ) ગામમાં મૃત્યુ થતાં અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનયાત્રા નીકળી હતી. પરંતુ રસ્તો ન હોવાના કારણે લોકોને ખાડીમાંથી પસાર થવું પડ્યુ હતું. ખાડીમાં કેડ સુધી પાણી હોવાના કારણે લોકો જીવના જોખમે ખાડી પસાર કરતાં જોવા મળ્યાં હતાં. આ ઓછું હોય તેમ વિસામો પર લઈ જઈ ફરીથી લાકડાના અભાવે ખાડીમાં સાંકળ બનાવી જીવના જોખમે લાકડા લઈ જવામાં આવ્યા હતાં.