કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય
Corporate School Teachers in Gujarat: ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને નાણાકીય સહાય આપવાના રાજ્ય સરકારના 2011ના ઠરાવનો અમલ વર્ગ 3 અને 4 સહિતના કાયમથી માંડી ફિક્સ પગારના કર્મચારીઓને પણ મળતો હતો. પરંતુ કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોને લાભઆપવામા આવતો ન હતો. જેને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘથી માંડી અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનેકવાર સરકારને રજૂઆતો કરાઈ હતી અને આ મુદ્દે લડત ચલાવાઈ હતી. જેને પગલે સરકારે રાજ્યની મહાનગર પાલિકાઓ દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોના શિક્ષકોના પરિવારને ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં 14 લાખ રૂપિયા સહાય આપવાનો ઠરાવ કરી દીધો છે.
પરિવારે 1 વર્ષમાં અરજી કરવી પડશે
સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 2011માં ઠરાવ બહાર પાડીને ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 અને 4ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચ નાણાકીય સહાયની યોજના લાગુ કરવામા આવી હતી. ત્યારબાદ 2016માં ઠરાવ કરીને સહાયમાં વધારો કરાયો હતો. 2017માં સરકારે ફરી એક ઠરાવ કરીને વર્ગ 3 અને 4ના કરાર આધારીત ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને પણ નાણાકીય સહાય આપવા નીતિ દાખલ કરી હતી. ત્યારબાદ 2020માં વધુ એક ઠરાવ કરીને સહાય વધારો કરાયો હતો અને છેલ્લે 2022 અને 2023માં કાયમી તેમજ કરાર આધારીત કર્મચારીઓને ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને અપાતી સહાયમાં વધારા માટેનો ઠરાવ કરાયો હતો. જેમાં સહાય વધારીને 14 લાખ રૂપિયા કરાઈ હતી.
અગાઉના 223 મૃતક શિક્ષકના પરિવારને જે તે ઠરાવ મુજબ રકમ મળશે
રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓ હેઠળ નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ મૃત્યુના કેસમાં પરિવારને લાભ આપવા| માટે ગુજરાત રાજ્ય નગર પ્રા.શિ.સંઘ તેમજ સૌથી વધુ સ્કૂલો જ્યાં છે તે અમદાવાદના નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારને અનેકવાર રજૂઆત કરાઈ હતી. છેલ્લા 13 વર્ષથી આ મુદ્દે લડત ચાલતી હતી, ત્યારે સરકારે અંતે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોને પણ ચાલુ નોકરીએ મૃત્યુના કેસમાં પરિવારને સહાય આપવાનું ઠરાવ્યુ છે. જેમાં 2011 બાદ મૃત્યુ પામ્યા હોય તેવા અગાઉ 223 મૃતક શિક્ષકોના પરિવારને પણ લાભ મળશે, પરંતુ તેઓને જે તે વર્ષના ઠરાવ મુજબ 4 લાખ કે 10 લાખ રૂપિયાની સહાય મળશે. જ્યારે તાજેતરના નવા ઠરાવ બાદ ચાલુ નોકરીએ જો કોઈ પણ કોર્પોરેશન સ્કૂલ શિક્ષક મૃત્યુ પામે તો હવે પરિવારને 14 લાખ રૂપિયા સહાય અપાશે. હાલ રાજ્યની 8 મહાનગર પાલિકાઓ સંચાલિત સરકારી સ્કૂલોમાં 12400થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે.