વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને ઍલર્ટ કરાયા
File Photo, Image: @DDNewslive |
Valsad Madhuban Dam: ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા નોંધાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. ત્યારે વલસાડના મધુબન ડેમમાં ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
મધુબન ડેમમાંથી સાંજે 4 વાગ્યે 48,574 ક્યુસેક પાણી છોડાયું
વલસાડ જીલ્લાના મધુબન ડેમમાં આજે શુક્રવારે ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થતાં રૂલ લેવલ સપાટી જાળવવા સત્તાવાળાઓએ સવારથી તબક્કાવાર સુધી પાણી છોડવાનું શરૂ કર્યું હતું. બપોરે 2 વાગ્યે 19501 ક્યુસેક પાણી છોડાયા બાદ સાંજે 4 વાગ્યે 43709 ક્યુસેક પાણીની આવક થતાં 48574 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સાજ ડેમની સપાટી 71.95 મીટર નોંધાઇ હતી. ગઇકાલે ગુરૂવારે સવારે 8 વાગ્યાથી આજે શુકવારે સાંજે 5 વાગ્યા સુધી વિતેલા 33 કલાકમાં દાદરા નગર હવેલીમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. આજે શુકવારે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ પડતા ફેરોર પાળી પાણી થઈ ગયું હતું. જ્યારે દમણમાં 3 ઈંચ વરસાદ પડયો હતો.
આ પણ વાંચોઃ સુરતનું કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય
આ ગામોને કરાયા ઍલર્ટ
મળતી માહિતી મુજબ, મધુબન ડેમમાં હાલ 79.86 મીટર FRL (Full Reservoir Level) નોંધાયું છે. જેમાં 71.85 મીટર પાણીનું લેવલ નોંધાયું છે. આ સિવાય પાણીનો કુલ જથ્થો 223.40 એમ.સી.એમ નોંધાયો છે. દમણગંગા નદીમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના તટ વિસ્તારમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડના કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે આપી માહિતી
આ વિશે વલસાડના કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે, બપોરે 12:30 કલાકે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવવાનું હોવાથી વાપી, કપરાડા, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા તેમજ તકેદારી રાખવી.