ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી
Vadodara : વડોદરા શહેરના સમતા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા રેસ્ટોરાના માલિક અને યુવા ભાજપના વોર્ડ-9ના મંત્રી ગૌરાંગ પઢિયાર ઉપર હુમલો કરનાર ચાર હુમલાખોરોને પોલીસે ઝડપી પાડ્યા છે.
વાઘોડિયા રોડ પર મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શક્તિસિંહ રાણા અને તેના ત્રણ સાગરીતોને કુકે હોટલ બંધ થઈ ગઈ છે જમવાનું નહીં બને તેમ કહેતા શક્તિસિંહે માલિક સાથે વાત કરાવવાનો આગ્રહ રાખ્યો હતો.
ત્યારબાદ શક્તિસિંહે રેસ્ટોરન્ટ માલિકને ફોન ઉપર ધમકાવી ગાળો ભાંડી હતી. જેથી ગૌરાંગે ગાળો નહીં બોલવાનું કહેતા શક્તિએ ઘેર આવીને માર મારવાની ધમકી આપી તેનું સરનામું માગ્યું હતું.
ગૌરાંગે સરનામું તેમજ મોબાઇલ પર લોકેશન મોકલતા શક્તિસિંહ તેની કારમાં ત્રણ સાગરીતો સાથે ગૌરાંગના ઘર પાસે પહોંચ્યો હતો અને તેને બોલાવી માર માર્યો હતો. આ પૈકી એક હુમલા ખોરે ચપ્પુના ચાર ઘા ઝીંક્યા હતા. લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી ગણતરીના કલાકોમાં હુમલાખોર (1) શક્તિસિંહ વનરાજ સિંહ રાણા (મધુ રેસીડેન્સી, છાણી,વડોદરા મૂળ જામનગર) (2) જતીન જેઠાભાઈ ધાગીયા(બંસીધર ફ્લેટ,છાણી ટીપી 13 મૂળ રહે રાજકોટ) (3) હેમેક્ષ રમેશભાઈ હોદ્દાર (જલા રેસીડેન્સી એચડીએફસી બેન્ક પાસે વાસણા ભાયલી રોડ વડોદરા મૂળ રહે. ટીવી સ્ટેશન સામે પોરબંદર) અને (4) મનીષ શંકરલાલ યાદવ (હાલ રહે જલા રેસીડેન્સી વાસણા ભાયલ રોડ મૂળઆ રહે.આજમેરા ગામ ડુંગરપુર રાજસ્થાન) નો સમાવેશ થાય છે. હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં કાન પકડીને હવે પછી આમ નહીં થાય તેવી માફી માગી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ ગુનામાં શક્તિસિંહની કાર કબજે કરવામાં આવી છે. શક્તિસિંહે બે વર્ષ પહેલા પણ વડોદરાના તરસાલી નજીક કાર અકસ્માતના બનાવમાં એક કાર ચાલકનું ઉપરાણું લઈ બીજા કાર ચાલકના પુત્રને માર માર્યો હોઈ તેની સામે તે વખતે પણ ગુનો નોંધાયો હતો.