સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય
kantareshwar mahadev katargam: શિવજીની આરાધનાનો મહિનો શ્રાવણ માસ શરુ થઈ ગયો છે આ દિવસોમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના શિવજીના મંદિરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે. જેમાં સુરતમાં સાત હજાર વર્ષ જેટલું પૌરાણિક મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા છે. સાથે સાથે આ મંદિરની શિવલિંગનો આકાર અન્ય શિવ મંદિરોમાં જોવા મળતો નથી. આ મંદિરમાં શિવલિંગ ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે તેની પાછળ પણ અનેક દંતકથા જોડાયેલી છે. હાલ શ્રાવણ માસ શરુ થઈ ગયો છે અને આ મંદિરમાં રોજ 22 જેટલી પૂજા થાય છે તેનો લાભ શિવ ભક્તો લે છે.
આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને સુરતમાં સાત હજાર વર્ષ જેટલું જુનુ અને સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં તેવા કંતારેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તિ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. હજારોની સંખ્યામાં શિવભક્તોથી શ્રાવણ માસમાં આ મંદિર ઉભરાઈ રહ્યું છે. જેનું મહત્ત્વ જણાવતા મંદિરના પૂજારી શૈલેષભાઈ ગોસ્વામી કહે છે, આ મંદિરનું સ્થાન શહેરના સૌથી પ્રાચીન મંદિરમાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન રાત્રિના 12 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધીમાં વિવિધ 22 પૂજા કરવામાં આવે છે. આ પૂજા શ્રાવણ માસમાં જ થતી હોઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. બપોરે બે વાગ્યા પછી શિવલિંગ પર અભિષેક બંધ કરી દેવામાં આવે છે અને મંદિર માત્ર દર્શન માટે ખુલ્લું રહે છે.
આ પણ વાંચો: આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે, દરરોજ મહાદેવજીને વિશેષ શૃંગાર કરાશે
આ મંદિરમાં શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે તે માટે તેઓ કહે છે, સૈકાઓ પહેલા અહીં ગાય આવીને દૂધની ધારા શિવલિંગ પર વહેવડાવતી હતી. તેના માલિકે ચોરી છુપાઈને જોઈ હતી અને અચાનક બહાર આવ્યા હતા અને ગભરાયેલી ગાયનો પગ શિવલિંગ પર પડ્યો હતો અને ત્યારથી આ શિવલિંગ પર ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે.
મંદિર અંગેની લોક વાયકા અંગે પૂજારી જણાવે છે કે, પ્રાચીન સૂર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતાં પેટાળમાં સમાઈ ગઈ હતી. તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી....નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ ઊગી નીકળી હતી. ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો, અને તેઓએ સૂર્યની આરાધના કરી હતી તેનાથી ભગવાન સૂર્ય નારાયણ પ્રસન્ન થયા હતા. તાપી પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, સૂર્યદેવે કપિલા ગાયનું દાન માંગ્યું હતું. ગાયનું દાન મળતાં સૂર્યદેવે વરદાન રૂપે પોતાના તેજરૂપ શિવલિંગ અહીં પ્રગટાવ્યું હતું. આજે શિવલિંગ કાંતારેશ્વર મહાદેવ તરીકે ઓળખાઈ છે.
આ મંદિર માટે અન્ય એક લોકવાયકા છે જેમાં રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમ્યાન કાંતારની ઝાડીમાં આવેલા કપિલ મુનિના આશ્રમે પધાર્યા હોવાનું પણ કહેવાય છે. તે સમયે ઋષિઓએ જલમાં સ્નાન કરી ભગવાન શિવને અભિષેક કરવાની ઇચ્છા દર્શાવી હતી તાપી નદીમાં પાણી ન હોવાથી ભગવાન રામે ધરતીમાં બાણ મારી જલધારા ઉત્પન્ન કરી હતી. ઋષિ મુનિઓએ સ્નાન કરી રામને આશીર્વાદ આપ્યા હતા. સમય જતાં જલધારાના સ્થાને કુંડનું નિર્માણ થયું, જે સૂર્ય કુંડના નામથી ઓળખાય છે. આજે પણ આ સૂર્ય કુંડ અસ્તિત્વ ધરાવે છે. સુરતના આ સૌથી પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોક માન્યતા પ્રચલિત છે. આજથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને તેના કારણે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને આ પ્રાચીન મંદિરની ગાથા સાંભળી ધન્યતા અનુભવી રહ્યા છે.
કંતારેશ્વર પરથી કતારગામ નામ પડ્યું હતું
ધાર્મિક મહાત્મ્ય: સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામમાં કંતારેશ્વર મહાદેવ મંદિર છે આ મંદિરની આજુબાજુ અનેક નાની મોટી ભગવાનની દેરી આવેલી છે. ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે, કુંડની ફરતે ચારે બાજુ સંતો ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સાત હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર 1968માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહ ગીરીએ કર્યો હતો. આ મંદિરની આસપાસનો વિસ્તારનો જે વિકાસ થયો હતો તેને કંતારેશ્વર મંદિરના નામ પરથી કતારગામ નામ પડ્યું હોવાનું જાણકારો કહી રહ્યા છે.