For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના રિક્ષા ચાલકના દીકરાની મહેનત ફળી, ધો.12 સાયન્સમાં 99.98 પર્સન્ટાઈલ મેળવ્યા

Updated: May 9th, 2024

વડોદરાના રિક્ષા ચાલકના દીકરાની મહેનત ફળી, ધો.12 સાયન્સમાં 99.98 પર્સન્ટાઈલ મેળવ્યા

GSEB Class 12 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું પરિણામ જાહેર થયું હતું. ત્યારે વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયાર નગરમાં રહેતા નિરવ રાણાએ ધો.12 સાયન્સમાં 99.98 પર્સેન્ટાઈલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. 

નિરવના પિતા રીક્ષા ચલાવે છે

નિરવ રાણા આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવે છે. પરંતુ તેમના ઉચ્ચાભ્યાસના સપનું સાકાર કરવા માટે માતા-પિતાએ કશું બાકી રાખ્યું નથી. નિરવના પિતા રીક્ષા ચલાવે છે અને તેમના માતા ઘરકામ કરવા માટે જાય છે. નિરવે ધોરણ 10માં પણ 99.95 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા હતા. તેમની સફળતા અને પરિવારના સંઘર્ષ વિશે જાણવા મળ્યા બાદ અમેરિકામાં રહેતા હેતલબેન પટેલ નામના મહિલાએ નિરવને ધો.11 અને 12માં વધુ અભ્યાસ કરવા માટે મદદ કરી હતી. શહેરના નિવૃત્ત શિક્ષક ભરત રાણાએ પણ તેમને પુસ્તકો પૂરા પાડયા હતા.

નિરવ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગે છે 

નિરવ રાણાએ જણાવ્યું હતું કે, 'મારૂં પરિણામ શારૂ આવશે તેવી મને પહેલાથી અપેક્ષા હતી. અભ્યાસ માટે રિવિઝન બહુ જરૂરી છે તેવુ મને લાગે છે. મને ગણિતમાં 100માંથી  100, કેમેસ્ટ્રીમાં 99 અને ફિઝિક્સમાં 97 ગુણ મળ્યા છે. ગુજકેટમાં મારા 120માંથી 120 ગુણ છે. હવે હું કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માગુ છું. મારી ઈચ્છા ભવિષ્યમાં મારા માતા-પિતાને તમામ પ્રકારની સુખ સુવિધા પૂરી કરવા માંગું છું.' નિરવના પિતાએ જણાવ્યુ હતુ કે, 'નિરવ પહેલેથી જ ભણવામાં હોશિયાર હોવાથી અમે તેને ભણાવવા જે પણ કરવું પડશે તે કરીશું તેવુ નક્કી કર્યુ હતું.'

Gujarat