Get The App

વડોદરા: 'દારૂ પીને પડી જવાથી મોત થયું' નો બચાવ ન ચાલ્યો, ચકચારી મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: 'દારૂ પીને પડી જવાથી મોત થયું' નો બચાવ ન ચાલ્યો, ચકચારી મર્ડર કેસમાં આરોપીને આજીવન કેદની સજા 1 - image

Vadodara Court Judgment: સાવલી તાલુકાના ખાખરીયા ગામમાં 3 વર્ષ પહેલાં ગાળો બોલવાની ના પાડતા વાંસના બંબુથી હુમલો કરી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, પીએમ રિપોર્ટ જોતાં મૃતક દારૂ પીને પડી ગયો હોવાની વાતમાં કોઈ તથ્ય જણાતું નથી.

કેસની વિગત એવી છે કે, ખાખરીયા ગામની નવીનગરીમાં તા. 12 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે વેરાઈ માતાના મંદિર પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી રાજુભાઈ વસાવા, તેમની દીકરી મીનાબેન અને જમાઈ મિથુનભાઈ ઘરે જતા હતા, ત્યારે દારૂ પીધેલી હાલતમાં આરોપી શૈલેષ જયંતિભાઈ રાઠોડીયા ગાળો બોલવા લાગ્યો હતો. મિથુનભાઈના સાળા કિરણભાઈ વસાવાએ વચમાં પડીને ગાળો બોલવાની ના પાડતાં, ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ વાંસનો બંબુ કિરણભાઈના માથામાં માર્યો હતો. જેથી કિરણભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ અદાલતમાં ચાલી જતાં, સરકારી વકીલ સી.જી. પટેલે 20 સાક્ષીઓ અને તબીબી પુરાવા રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે એવી રજૂઆત કરી હતી કે કિરણભાઈ દારૂ પીધેલી હાલતમાં મંડપ પરથી નીચે પડી જવાથી તેમનું મૃત્યુ થયું છે. જોકે, બંને પક્ષની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ ન્યાયાધીશે આરોપી શૈલેષ રાઠોડીયાને આજીવન કેદની સજા અને મૃતકના પરિવારને યોગ્ય વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.