Get The App

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી :પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં વરસાદ, પૂર્વ વિસ્તાર કોરો રહ્યો 1 - image

Vadodara Monsoon : ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની હજુ રાહ જોવાઈ રહી છે, ત્યારે રાજ્યભરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઊકળાટ અને ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે વરસાદે રાહતનો શ્વાસ અપાવ્યો છે. વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ જામ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

શહેરના રાવપુરા, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં સવારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ગરમીથી ત્રસ્ત નાગરિકોને રાહત મળી હતી. જોકે શહેરનો પૂર્વ વિસ્તાર વરસાદથી વંચિત રહ્યો હતો અને ત્યાં વરસાદ નોંધાયો નહોતો.

વડોદરા ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં રાજ્યમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.