વડોદરામાં 10 ફૂટ ઊંડી ગટરમાં પડેલા યુવકનું મોત, રેસ્ક્યૂ માટે આવેલી ફાયર ફાઈટર પણ ખાડામાં પલટી
Vadodara 16 Year Old Boy Died: વડોદરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 16 વર્ષીય કિશોરનું પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં પડી જવાથી મોત નિપજ્યું છે. આ અંગે જાણ થતા ફાયર વિભાગની સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે કિશોરનો મૃતદેહ નાળામાંથી બહાર કાઢ્યો હતો. જોકે, આ દરમિયાન રેસ્ક્યુ માટે આવેલી ગાડી પણ ખાડામાં ખાબકી હતી.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસેના ગટરના નાળામાં પડી ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પરિસ્થિતિ ગંભીર જણાતા તુરંત પોલીસને અને ફાયરની ટીમને ફોન કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ભારે જહેમત બાદ કિશોરને નાળામાંથી બહાર કાઢવામાં આવ્યો પરંતુ, ત્યાં સુધી તેણે જીવ ગુમાવી દીધો હતો.
આ પણ વાંચોઃ GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો
રેસ્ક્યુ ટીમની ગાડી ખાડામાં પલટી
નોંધનીય છે કે, આ દરમિયાને રેસ્ક્યુ માટે આવેલી ટીમની ગાડી પણ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ, રેસક્યુ ટીમ દ્વારા ગાડી રિવર્સ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ગાડીનું સંતુલન ગુમાવતા તે બાજુના ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. જોકે, સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ
હાલ, મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કિશોરના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, કિશોર શૌચ ક્રિયા માટે અહીં આવ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.