GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો
GETCO: ગુજરાત ઊર્જા સંશોધન નિગમ લિમિટેડ (GETCO) દ્વારા ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે અનેક ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. મંજૂર થયેલા પગાર ધોરણ વિના કર્મચારીઓની ભરતી કરવા અને મંત્રી દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પગાર ધોરણ વિના ભરતી, ઉમેદવારોનું ભાવિ જોખમમાં
GETCO દ્વારા પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ-1 (PO-1)ની જગ્યાને ડાઉનગ્રેડ કરીને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 (PA-1) તરીકે ભરતી કરવામાં આવી હતી. આ ભરતી રાજ્ય સરકારની મંજૂરી વિના અને પગાર ધોરણ નક્કી થયા વિના જ કરવામાં આવી હતી. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે હજુ સુધી આ જગ્યા માટે પગાર ધોરણ મંજૂર નથી કર્યું, જેના કારણે ભરતી થયેલા ઉમેદવારોની સ્થિતિ અદ્ધરતાલ છે.
મંત્રીનો વિચિત્ર જવાબ: 'ખાનગી નોકરી શોધી લો'
જ્યારે કેટલાક ઉમેદવારોએ તેમની સમસ્યા રજૂ કરવા માટે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેમને ચોંકાવનારો જવાબ મળ્યો. ઉમેદવાર રાકેશ બામભણિયાના જણાવ્યા મુજબ, મંત્રીએ તેમને ખાનગી કંપનીમાં વધુ પગારવાળી નોકરી શોધવાની સલાહ આપી હતી. આ નિવેદનથી ઉમેદવારોની લાગણીઓને વધુ ઠેસ પહોંચી છે.
દોઢ વર્ષની મહેનત પાણીમાં
આ ભરતી પ્રક્રિયા 153 જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્વોલિફાઇંગ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2025 સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ, ઉમેદવારોને ઓફર લેટરની રાહ હતી, પરંતુ GETCO અને સરકારી તંત્રની બેદરકારીને કારણે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. ઉમેદવારોએ આ પ્રક્રિયામાં લગભગ દોઢ વર્ષનો સમય અને મહેનત રોકી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ
ઉમેદવારોની મુખ્ય માંગ
ઉમેદવારોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમને અધિકારીઓની ભૂલનો ભોગ ન બનવું પડે. આ ઉપરાંત, વિભાગની મંજૂરી વિના જગ્યાને ડાઉનગ્રેડ કરવા બદલ GETCOના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી છે. આ ઘટનાએ સરકારી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.