ટ્રમ્પના ટેરિફ બાદ અમેરિકામાં પડદા, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી બંધ
File Photo: IANS |
US Tariff Impact on Textile Market: રેડીમેડ ગારમેન્ટ અને ટેક્સ્ટાઇલના અન્ય ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ કરનારા ભારતીય નિકાસકારો પાસેથી 27 ઓગસ્ટે વધારાના 50 ટકા સહિત કુલ 56થી 58 ટકા ટેરિફ લેવાશે. આ નિર્ણયને પરિણામે ભારતની નિકાસને અંદાજે એક લાખ કરોડ રૂપિયાથી વધુનો ફટકો પડવાની સંભાવના છે. ઇમ્પોર્ટ ટેરિફનો આટલો મોટો બોજ વેઠવું કોઈપણ સેક્ટર માટે અશક્ય છે. રેડીમેડ ગારમેન્ટ્સની નિકાસ અંદાજે 5.5 અબજ ડૉલર અને હોમ ફર્નિશિંગ સહિતના અન્ય ઉત્પાદનોની બીજી 5.5 અબજ ડૉલર મળીને ભારતમાંથી અમેરિકામાં ટેક્સટાઇલ સેક્ટરની કુલ નિકાસ 11 અબજ ડૉલરની છે. નોંધનીય છે કે, ગુજરાતમાંથી અમેરિકામાં એક અબજ ડૉલરના ટેક્સટાઇલ ઉત્પાદનોની નિકાસ થાય છે.
આવનારા 6થી 7 મહિના કપરા
અમેરિકન પ્રમુખ છેલ્લા ઘણાં મહિનાઓથી ટેરિફ લાદવાને મુદ્દે ગાજતા હોવાથી ભારતની કેટલીક કંપનીઓએ ટેરિફનો અમલ થાય તે પહેલાં જ નિકાસના ખાસ્સા કન્સાઇનમેન્ટ મોકલી દીધા છે. પરિણામે આ વર્ષે ખાસ્સી નિકાસ થઈ ચૂકી છે. એક અંદાજ મુજબ ઓગસ્ટ 2025ના પહેલા પખવાડિયાના અંત સુધીમાં રેડીમેડ ગારમેન્ટની કુલ 2.5થી 3 અબજ ડૉલરની નિકાસ થઈ ચૂકી હોવાનો અંદાજ છે. છતાંય સંખ્યાબંધ નિકાસકારોના ગોદામોમાં જંગી ઇન્વન્ટરી પડી રહી છે. પરંતુ હવે પછીના છથી સાત મહિનામાં નિકાસ સાવ જ અટકી પડશે.
50 ટકા વધારાના ટેરિફથી અમેરિકામાં ટેક્સટાઇલની નિકાસ બંધ થઈ જશે
ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતા નિકાસ બંધ થવા પાછળનું કારણ આપતા કહે છે કે, જૂની છ ટકાથી આઠ ટકાની ટેરિફ વત્તા બીજા એડિશનલ ટેરિફના 50 ટકા લાગતા અમેરિકામાં ટેક્સટાઇલની નિકાસ બંધ થઈ જશે. કારણ કે, ભારતીય ઉત્પાદકોની અને નિકાસકારોની સ્પર્ધા સાવ જ ખતમ થઈ ગઈ છે. અત્યારે અમેરિકામાં અંદાજે ગારમેન્ટનું એક્સપોર્ટ 5.5 અબજ ડૉલરનું છે. આ નિકાસ અંદાજે 50 હજાર કરોડ રૂપિયાની થાય છે. ભારતમાંથી ટી શર્ટ્સ, શર્ટ્સ, લેડીઝ ટોપ, બ્લાઉઝ સહિતના પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.
યુરોપિયન યુનિયન પર કરવું પડશે ફોકસ
રાહુલ મહેતાનું કહેવું છે કે, ભારતના નિકાસકારોએ હવે અમેરિકાને છોડીને યુરોપિયન યુનિયનના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. આ જ રીતે મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ કરવા પર ફોકસ કરવું પડશે. તેમ જ સાઉથ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડના માર્કેટમાં નિકાસ કરવાનો રસ્તો ખોલવો પડશે.
આ પણ વાંચોઃ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો
નિકાસકારોનું કેપિટલ ફસાઇ જશે
ન્યુક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા અને મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનું કહેવું છે કે, ગુજરાતમાંથી હોમ ટેક્સટાઇલની પ્રોડક્ટની ખાસ્સી નિકાસ અમેરિકામાં થાય છે. નિકાસકારો પાસેનો ગારમેન્ટનો સ્ટોક જમા થઈ જશે. અત્યારે નહીં વેચાય તો તેમની કેપિટલ ફસાઈ જશે. તેમને માટે અત્યારે માલની ડિલીવરી શક્ય નહીં બને. પરિણામે એલ.સી. અને પૈસાનો પ્રોબ્લેમ વકરી જવાની સંભાવના છે. તકલીફની આ સ્થિતિમાં સરકારે ઈન્ડસ્ટ્રીને પડખે ઊભા રહેવું જરૂરી છે. તેના ભાગરૂપે ટેક્સટાઇલ નીતિના જે લાભ આપવાના થતા હોય તો તે લાભના ફંડ વહેલામાં વહેલા રિલીઝ કરવા જરૂરી છે. અમેરિકાના ટેરિફ લાદવાના નિર્ણયને પરિણામે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભયનો માહોલ છે. જોકે છેલ્લાં બે-ત્રણ મહિનામાં કંપનીઓએ વધુમાં વધુ માલ અમેરિકામાં મોકલી દીધો છે.