સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટને DEOનો આદેશ, આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દો
Seventh-Day School News : ધો.10ના વિદ્યાર્થીની હત્યાને લઈને વિવાદમાં આવેલી સેવન્થ ડે સ્કૂલને માન્યતા રદ કરવા અને સરકારની એનઓસી રદ કરવા મુદ્દે અપાયેલી શો કોઝ નોટિસનો ખુલાસો કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો પુનાથી આવ્યા હતા. અમદાવાદ શહેર ડીઈઓને મળીને ખુલાસો રજૂ કર્યો હતો. જો કે ડીઈઓ દ્વારા ખુલાસો માન્ય રખાયો ન હતો અને સ્કૂલ મેનેજમેન્ટને સ્કૂલના લેટરપેડ પર યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ કરાયો હતો. ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટને તાકીદે આચાર્ય તેમજ જવાબદાર સ્ટાફને છુટા કરી દેવા માટે પણ આદેશ કરવામા આવ્યો હતો.
મેનેજમેન્ટના પુના સ્થિત ઓફિસથી આવેલા પ્રતિનિધિનો ખુલાસો અમાન્ય રાખી યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ
સેવન્થ ડે સ્કૂલમાં ગત મંગળવારે ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ સ્કૂલ સામે ભારે રોષ ફેલાયો છે અને સરકારી તેમજ ડીઈઓ કચેરી પણ કડક કાર્યવાહી માટે કરવા માટે દબાણ વધ્યું છે. દરમિયાન આજે એબીવીપીના કાર્યકરોએ ડીઈઓ કચેરીમાં હંગામો કરીને સ્કૂલને બંધ કરવાની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો ડીઈઓ કચેરી ખાતે પહોંચી ગયા હતા અને જ્યાં સ્કૂલની માન્યતા રદ કરવા માટે ઉગ્ર માંગણી કરાઈ હતી.
જો કે બીજી બાજુ શહેર ડીઈઓ દ્વારા આજે સ્કૂલ મેનેજમેન્ટને પત્ર લખીને તાકીદે આચાર્ય અને જવાબદાર સ્ટાફને છુટા કરી દેવા આદેશ કરી દેવાયો છે.ગત મંગળવારે ઘટના બની ત્યારે ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપી ખુલાસો મંગાયો હતો પરંતુ સ્કૂલે ખુલાસો રજૂ કર્યો નહતો. દરમિયાન સ્કૂલો હોબાળો-તોડફોડ અને વાલીઓ-સ્થાનિકોના ઉગ્ર રોષ-આક્રોશ બાદ સરકારની સૂચનાથી અમદાવાદ શહેર ડીઈઓએ ગત શનિવારે સ્કૂલને માન્યતા કેમ રદ ન કરવી અને સરકારની એનઓસી કેમ રદ ન કરવી તેનો ખુલાસો ૩ દિવસમાં કરવા માટે નોટિસ આપી આદેશ કર્યો હતો.
જેને પગલે આજે ત્રીજા દિવસે સ્કૂલના સેવન્થ ડે એડવેન્ટિસ્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ પુનાથી આજે ડીઈઓ સમક્ષ ખુલાસો કરવા આવ્યા હતા. સ્કૂલ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઓર્ગેનાઈઝેશન હેઠળ ચાલતી હોઈ ગુજરાત-મહારાષ્ટ્રની સ્કૂલોની હેડ ઓફિસ પુનામાં છે. પુનાથી આવેલા મેનેજમેન્ટના સભ્યોનો ખુલાસો હાલ તો ડીઈઓએ માન્ય રાખ્યો ન હતો. મેનેજમેન્ટને વિધિવત રીતે સ્કૂલના લેટરપેટ પર યોગ્ય રીતે ખુલાસો કરવા આદેશ કરાયો છે.
દરમિયાન આજે ડીઈઓએ કાર્યવાહી કરતા સ્કૂલના સંચાલકને પત્ર લખીને જણાવ્યુ છે કે ક્રાઈમ બ્રાંચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે.જેથી સ્કૂલના આચાર્ય તેમજ સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે.જેને આધીન હાલની સ્થિતિ મુજબ સ્કૂલના આચાર્ય તેમજ વહીવટી હેડ અને જવાબદાર સ્ટાફને નોકરીમાંથી બરતરફ કરવામા આવે અને તાકીદે નિયમ મુજબ કાર્યવાહી કરી રિપોર્ટ કરવા જણાવવામા આવે છે.
70 જેટલા વાલીની સ્કૂલમાં પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફરની માંગ
ધો.10ના વિદ્યાર્થિની હત્યાની ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે અને વાલીઓમાં સ્કૂલ સામે વિરોધ તેમજ રોષ ફેલાયો છે ત્યારે અનેક વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ આ સ્કૂલમાંથી રદ કરવાની પુછપરછ શરૂ કરી છે. શહેર ડીઈઓ દ્વારા એલસી અને ફી રીફંડ સહિતની બાબતોમાં વાલીઓની સહાય માટે આજથી ચાર અધિકારી સ્કૂલ ખાતે મુકાયા છે ત્યારે અધિકારીઓ સમક્ષ 70 જેટલા વાલીની પ્રવેશ ટ્રાન્સફરની માંગણી આવી છે. સેવન્થ ડે સ્કૂલમાં ધો.1થી12માં (બંને બોર્ડ સહિત) 9 હજારથી વઘુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે હાલ 70 જેટલા વાલીએ બાળકોનો પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં જવા માટે ઈન્કવાયરી કરીને ઈચ્છા વ્યક્ત કરી છે.જો કે બીજી બાજુ હજુ સુધી માત્ર 25 જેટલા વાલીઓએ જ સ્કૂલ સામેના વિરોધમાં ડીઈઓ કચેરીને નિવેદનો આપ્યા છે.