'અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી ધીરજ રાખો', અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મીડિયા રિપોર્ટ પર ભડકી US એજન્સી
Ahmedabad plane crash : એર ઈન્ડિયા ફ્લાઈટ 171 ભીષણ દુર્ઘટનાની પ્રારંભિક તપાસ બાદ વિદેશી મીડિયામાં પાયલટ પર ગંભીર આરોપી લગાવામાં આવી રહ્યા છે. જોકે, આ મામલ હવે અમેરિકી સુરક્ષા એજન્સીએ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના અધ્યક્ષ જેનિફર હોમેંડીએ મીડિયા રિપોર્ટને ઉતાવળ અને અટકળોના આધારિત હોવાનું જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલ તો કોઈ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળભર્યું ગણાશે અને તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી છે.
એર ઇન્ડિયાનું બોઇંગ 787-7 ડ્રીમલાઇનર વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યાના થોડા સમય પછી બંને એન્જિનમાં ઇંધણની સપ્લાઈ બંધ થઈ ગઈ, જેના કારણે વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 270 લોકોના મોત નીપજ્યા છે.
શરૂઆતના તપાસ રિપોર્ટમાં થયા હતા મોટા ખુલાસા
ભારતીના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, વિમાન ટેકઑફ બાદ કોકપિટમાં લાગેલા બંને ફ્યૂલ કન્ટ્રોલ સ્વિચ કટઑફ સ્થિતિએ જતાં રહ્યા હતા, જેનાથી એન્જિનને ઇંધણની સપ્લાઈ બંધ થઈ ગઈ હતી. જોકે, આ સ્વિચ લગભગ 10 સેકન્ડમાં ફરીથી શરૂ કરાઈ હતી, પરંતુ તેવામાં વિમાનને જરૂરી થ્રસ્ટ નહી મળી શક્યું હોય અને દુર્ઘટના સર્જાઈ હતી.
AAIB દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પ્રારંભિક રિપોર્ટ અનુસાર, કોકપીટ વોઇસ રેકોર્ડરમાં, ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર કેપ્ટન સુમિત સભરવાલને પૂછતા સાંભળવામાં આવ્યા હતા કે તેમણે ઇંધણ પુરવઠો કેમ કાપી નાખ્યો. આના પર કેપ્ટન સભરવાલે જવાબ આપ્યો કે તેમણે આવું કર્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેકઓફ પછી તરત જ બંને એન્જિનના ઇંધણ નિયંત્રણ સ્વીચો 'રન' થી 'કટઓફ' સ્થિતિમાં ખસી ગયા હતા. ત્યારબાદ વિમાનને જોર ગુમાવ્યું અને નીચે પડવા લાગ્યું હતું.
NTSB-AAIBએ સંયમ રાખવા કરી વિનંતી
NTSBના અધ્યક્ષ જેનિફર હોમેન્ડીએ કહ્યું હતું કે, 'ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ હમણાં જ તેનો પ્રારંભિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તપાસમાં સમય લાગે છે. ગુરુવારે જારેલ કરાયેલી AAIBની અપીલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તપાસ સંબંધિત તમામ પ્રશ્નો AAIBને સંબોધવા જોઈએ.'
અગાઉ એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને પણ જાહેરમાં વિનંતી કરી હતી કે, જનતા અને મીડિયાએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અટકળોથી દૂર રહેવું જોઈએ અને માત્ર તથ્યોના આધારે તારણો કાઢવા જોઈએ.
AAIBએ એક નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, જાહેર કરાયેલો પ્રારંભિક રિપોર્ટ ફક્ત શું થયું તે જણાવે છે. નહીં કે શા માટે થયું. બ્યુરોએ આંતરરાષ્ટ્રીય મીડિયાની ટીકા કરી હતી. ખાસ કરીને વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના રિપોર્ટની ટીકા કરી હતી. WSJએ દાવો કર્યો હતો કે, કોકપીટ રેકોર્ડિંગ સૂચવે છે કે, કેપ્ટન સભરવાલે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ ફર્સ્ટ ઓફિસર કુંદરે તેમને સવાલ કર્યો હતો.