Get The App

નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
નર્સિંગની પરીક્ષામાં ઉત્તરવહી તપાસવામાં રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે હોબાળો 1 - image

વલ્લભ વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીમાં 

નકલી નોટો ઉડાવીને વિદ્યાર્થી સંગઠનનું વિરોધ પ્રદર્શન, એક જ વિષયમાં 200 વિદ્યાર્થીઓ નાપાસ થતાં યુનિ. હવે ફરીથી મૂલ્યાંકન કરાવશે 

આણંદ: વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં લાફાકાંડના વિવાદ વચ્ચે આજે એબીવીપીએ નર્સિગ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટીમાં પેપરો તપાસવાની કામગીરીમાં પૈસા વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરીને યુનિવર્સિટી પરિસરમાં નકલી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની માંગણીઓને લઇ ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે તેવી ખતરી આપતા મામલો થાળે પાડયો હતો. 

એસપી યુનિવસિર્ટીમાં પેપર તપાસવામાં ગેરરીતિ આચવામાં આવતી હોવાની અને વિવિધ કામોમાં પૈસા લઇને કામો કરવામાં આવતા હોવાનો આક્ષેપો સાથે યુનિવર્સિટી પરિસરમાં વિરોધ કરાયો હતો. નર્સિગમાં એક સાથે અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતાં વિદ્યાર્તીઓએ આજે યુનિવર્સિટી પરિસરમાં વિરોધ કર્યો હતો અને નકલી નોટો ઉડાવીને સુત્રોચ્ચાર કર્યા હતા. યુનિવર્સિટીના રજિસ્ટાર પણ દોડી આવ્યા હતા. જોકે,પરીક્ષા વિભાગના જવાબદાર અધિકારીઓ જવાબ આપવામાંથી છટકી ગયા હોવાનું જણાવ્યું હતું. તેઓએ રજિસ્ટ્રારને ખો આપી હતી. રજિસ્ટ્રારે કુલપતિને ખો આપી હતી. કુલપતિ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જેને લઇ વિદ્યાર્થીઓનું ટોળું કાર્યક્રમના સ્થળે પહોંચી ગયું હતું. કુલપતિ કાર્યક્રમમાંથી બહાર આવતા જ વિદ્યાર્થીઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. 

બીએસસી નર્સિગના વિદ્યાર્થીઓએ જણાવ્યુ કે, પરીક્ષા આપ્યા બાદ ત્રણ માસ થયા છતાં પરિણામ જાહેર કરાયું નથી. જયારે પરિણામ જાહેર કરવાાં આવ્યું ત્યારે નર્સિગની વિવિધ કોલેજના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં નાપાસ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પેપરોની યોગ્ય ચકાસણી કરી વિદ્યાર્થીઓના હિતમાં યુનિ દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. યુનિવસટી દ્વારા વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઇ એક્સપર્ટ દ્વારા ફરીથી મૂલ્યાંકન કરાવવામાં આવશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડયો હતો.