Gujarat

S.S.C.ની પરીક્ષા ફીમાં ગત વર્ષની તુલનાએ દસ ટકા જેટલો વધારો

By GS Team
21 Oct 20192 mins read
This article was originally published on 21 Oct 2019
S.S.C.ની પરીક્ષા ફીમાં ગત વર્ષની તુલનાએ દસ ટકા જેટલો વધારો

ભાવનગર, તા. 21 ઓક્ટોબર 2019, સોમવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરીક્ષાનું આયોજન શરૂ કરી દવાયું છે અને પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરાઇ છે ત્યારે ધોરણ ૧૦નું ૨૦૨૦નું ભાવપત્રક જારી કરાયું છે જેમાં ૧૦ ટકા જેટલો ભાવ વધારો કરાયો હોવાનું જણાયું છે.

શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી માર્ચમાં લેવાનાર એસ.એસ.સી. પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવા માટે પણ તારીખો જાહેર કરી દેવાઇ છે. જો કે, પરીક્ષા ફોર્મની સાથોસાથ પરીક્ષા રિસીપ્ટ પણ ઓનલાઇન જે-તે શાળાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા ચક્રો ગતિમાન થયા છે અને ફોર્મ ભરવા અંગેની માર્ગદર્શીકા પણ બહાર પાડી દેવાઇ છે. આ સાથે ધો.૧૦નું વર્ષ-૨૦૨૦નું પરીક્ષા ફી સ્ટ્રક્ચર જાહેર કરાયું છે. જેમાં દસ ટકા જેટલો વધારો કરાયો હોવાનું જણાય છે.

તો વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જો કે, ગત વર્ષે જે નિયમિત વિદ્યાર્થી હતા તેની પરીક્ષા ફી ૩૨૫ હતી તેના સ્થાને આ વર્ષે ૩૫૫ રખાઇ છે તો રિપીટર એક વિષયમાં ૧૨૦ના સ્થાને ૧૩૦, બે વિષયમાં ૧૭૦ના સ્થાને ૧૮૫, ત્રણ વિષયમાં ૨૨૦ના સ્થાને ૨૪૦, ત્રણ વિષય કરતા વધુ માટે ૩૧૫ના સ્થાને ૩૪૫ અને ખાનગી ઉમેદવારો માટે ગત વર્ષે ૬૬૫ના સ્થાને આ વર્ષે ૧૦ ટકાના વધારા સાથે ૭૩૦ રૂપિયા ફી નિશ્ચિત કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.