કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, વહેલી સવારથી અનેક જિલ્લામાં પવન સાથે આકાશી આફત
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. એવામાં શનિવારે (24 મે) વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ અને બારડોલીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
તાપીમાં ભારે પવન સાથે વરસાદ
તાપીના વ્યારા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે (24 મે) વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય શહેરના મુસા રોડ અને મિશન નાકા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ
જિલ્લામાં છેલ્લાં 2 કલાકથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં 2 કલાકમાં વરસેવા વરસાદની વાત કરીએ તો નિઝરમાં 4 મીમી, ઉચ્છલમાં 1 મીમી, સોનગઢમાં 16 મીમી, વ્યારામાં 11 મીમી, વાલોડમાં 6 મીમી, કુકરમુંડામાં 6 મીમી અને ડોલવણમાં 4 મીમી વરસાદ નોંધાયો છે.
નવાસારીમાં વરસાદથી ખેડૂતોને નુકસાન
આ સિવાય નવસારી શહેરમાં આવેલા મંકોડિયા ઇટાડવા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણએ કેરી, ચીકુ સહિત ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ મ્યુ. કોર્પોરેશનમાં બધુ લોલંલોલ, અમદાવાદના 36 તળાવમાં ખાનગી બાંધકામ ઊભા થયા
વલસાડમાં ભારે પવન સાથે વરસાદ
આ સાથે જ વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સિવાય ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
સુરતના બારડોલી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ
ગુજરાતના સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુમંદિર નજીક એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. આ સિવાય સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી.