મ્યુ. કોર્પોરેશનમાં બધુ લોલંલોલ, અમદાવાદના 36 તળાવમાં ખાનગી બાંધકામ ઊભા થયા
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 36 તળાવમાં ખાનગી બાંધકામ ઊભા થઈ ગયા હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો હતો. સૈજપુર તળાવની જગ્યામાં 40 દુકાન બાંધી દેવાઈ અને ઈમ્પેકટ ફી ભરી આ દુકાનોને કાયદેસર બનાવવા પણ અરજી કરાઈ હોવાના આક્ષેપ છતાં ભાજપના એક પણ સભ્યે પ્રતિક્રિયા આપવાનું ટાળી દીધુ હતું. કાળી તળાવની જગ્યા હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને ફાળવવામાં આવી છે.
વિપક્ષ નેતાએ માન્યો આભાર
બોર્ડ બેઠકના આરંભે અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભા જૈને 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને ભારત તરફથી આપવામાં આવેલા જવાબને લઈ ભારત સરકાર અને ભારતીય સૈન્યને અભિનંદન આપતો ઠરાવ પસાર કરાવ્યો હતો. ઝીરો અવર્સની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે ચંડોળા મેગા ડિમોલિશનને લઈ કહ્યું, પહેલા તબક્કામાં તળાવની જગ્યામાંથી બાંગ્લાદેશીઓને હટાવવામાં આવ્યા એ બાબતને લઈ વિપક્ષ તંત્ર અને સત્તાધીશોનો આભાર માને છે. બાંગ્લાદેશીઓને હટાવવા વર્ષ-2021 અને વર્ષ-2023માં મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષ નેતાએ લેખિત રજૂઆત કરી હતી. આ દરમિયાન ચંડોળા તળાવની જગ્યામાંથી હટાવવામાં આવેલા લોકોને માસિક રૂપિયા 30 હજારના હપ્તા સાથે EWSના મકાન ફાળવવાની બાબતને લઈ ચર્ચા કરાઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકાઓમાં મેઘમહેર, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ વરસાદ
વિપક્ષનેતાએ કર્યાં સવાલ
વિપક્ષનેતાએ કહ્યું કે, જો આ લોકો પાસે પૈસા હોત તો તળાવની જગ્યામાં ઝૂંપડા બાંધીને શા માટે રહેતા હોત? આ બાબતને ધ્યાનમાં રાખીને માસિક રૂપિયા 30 હજારના બદલે માસિક રૂપિયા પાંચ હજારનો હપ્તો રાખવામાં આવે એવી મારી રજૂઆત છે.
શહેરના 36 તળાવમાં સરકારી બાંધકામ ઊભા કરી દેવાયા
શહેરના 36 તળાવમાં સરકારી બાંધકામ ઊભા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેમણે કહ્યું કે, ચંડોળા તળાવની વોટર બૉડીમાં થયેલા બાંધકામ કે દબાણ દૂર કરાયા છે. તો અન્ય તળાવમાં થયેલા દબાણ પણ દૂર થવા જોઈએ. વટવાના બીબી તળાવમાં વટવા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ક્વાટર્સના બાંધકામ માટે જગ્યા ફાળવવામાં આવેલી છે. રાણીપમાં આવેલા તળાવમાં EVMના ગોડાઉન માટે જગ્યા ફાળવવામાં આવી છે.
વસ્ત્રાપુર તળાવની જગ્યામાં એમ્યુઝમેન્ટ પાર્ક માટે જગ્યા ફાળવવામાં આવેલી છે. ચંડોળા તળાવની જગ્યામાં થયેલા બાંધકામ જો સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશનને દેખાતા હોય અને તોડાતા હોય, તો બાકીના તળાવના બાંધકામ પણ તોડવા માટે માંગણી છે.