Ahmedabad

અમદાવાદમાં ઝડપાયેલા બ્લડ પ્લાઝમા ભેળસેળવાળા હોવાનો ખુલાસો, મહારાષ્ટ્ર સુધી લંબાયા 'મોતના કૌભાંડ'ના તાર

By GS Team
29 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય SOGએ બ્લડ પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત થયેલા બ્લડ યુનિટ્સ નબળી ગુણવત્તાના અને માનવ જીવન માટે જોખમી હોવાનું BJ મેડિકલના રિપોર્ટમાં ખુલ્યું. આ બ્લડ મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકોમાં સપ્લાય થતું હતું. 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને 15 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઝડપાયેલા બ્લડ પ્લાઝમા ભેળસેળવાળા હોવાનો ખુલાસો, મહારાષ્ટ્ર સુધી લંબાયા 'મોતના કૌભાંડ'ના તાર
AI તસવીર

Ahmedabad Blood Plasma Scam: અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. SOGના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરવામાં આવેલા બ્લડ યુનિટ્સ સાથે છેડછાડ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, આ બ્લડ નિર્ધારિત સ્ટાન્ડર્ડ (ધોરણો) મુજબનું નથી અને તેની નબળી ગુણવત્તા માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે જપ્ત કરાયેલા તમામ બ્લડનો સાયન્ટિફિક રીતે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

8 જેટલી બ્લડ બેંકોમાં પ્લાઝમા મોકલાયા
આ કેસની તપાસમાં એક ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે, આરોપી આ નબળી ગુણવત્તાવાળું બ્લડ મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકોમાં સપ્લાય કરતો હતો. હાલમાં મહારાષ્ટ્રની આશરે 8 જેટલી બ્લડ બેંકો અને તેના સંચાલકો પોલીસ તપાસના ઘેરામાં આવ્યા છે; જેમાં વાશિમ, અહમદનગર, ધૂલે, નાશિક, ભુસાવલ, છત્રપતિ સંભાજીનગર અને જાલનાની બ્લડ બેંકોનો સમાવેશ થાય છે અને ત્યાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, આ સમગ્ર પ્રકરણમાં રાહતની વાત એ છે કે, અત્યાર સુધીની તપાસમાં ગુજરાતની કોઈપણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આ જોખમી બ્લડ સપ્લાય થયું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું નથી.

ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ
આ આંતરરાજ્ય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હવે FSL, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. તપાસ એજન્સીઓ દ્વારા બ્લડ બેંક શરૂ કરવાની પ્રક્રિયા, કાયદાકીય મંજૂરીઓ તેમજ બ્લડના ખરીદ-વેચાણના નિયમોનું કેટલું પાલન થયું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આરોપીઓએ અન્ય કઈ કઈ કંપનીઓ કે સંસ્થાઓમાં આ બ્લડ પહોંચાડ્યું છે તે દિશામાં પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

ચાર આરોપીની કરાઇ છે ધરપકડ
મહત્વનું છે કે 23 જૂનના રોજ ચાંગોદર બાજુ એક ભાડાના મકાનમાં નકલી પ્લાઝમા બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે તેબાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેડ પાડી હતી, જ્યાંથી નકલી પ્લાઝમા બનાવવાનું મટીરીયલ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)ને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 11,00,000ની કિંમતના 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, એક ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ, સીલિંગ મશીન, 34 ખાલી પ્લાઝમા બેગ અને ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું એક વાહન સહિત કુલ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

અસલી પ્લાઝમા અડધી કિંમતે બ્લડ બેન્કોમાં વેચતા
આ અંગે વિગતો આપતા અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટના જણાવ્યું કે-

આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી. તેઓ ડ્રાઈવર અને ખલાસીની મદદથી ટ્રાન્સપોર્ટેશન વખતે ઓરિજનલ પ્લાઝમાની બેગો કાઢી લેતા અને તેને નકલી પ્લાઝમા જે પ્રાથમિક તપાસમાં સલાઈન વોટર જેવું હોવાનું જણાયું છે તેને બદલી નાખતા હતા. ત્યારબાદ તેઓ ચોરેલો ઓરિજનલ પ્લાઝમા બજારભાવ કરતા 50% ઓછી કિંમતે ફરીથી બ્લડ બેન્કોમાં વેચી મારતા હતા. આ પ્લાઝમાનો ઉપયોગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એન્ટી કેન્સર ડ્રગ્સ બનાવવા માટે થાય છે, અને હિમોફિલિયા તેમજ એન્ટી ઇમ્યુન ડિસઓર્ડર ધરાવતા દર્દીઓને તે સીધો પણ ચડાવવામાં આવે છે. વળી, તેઓ ચોરેલો અસલી પ્લાઝમા પણ પ્રોટોકોલ મુજબ -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખતા હોવાથી તે બગડી જતો હતો અને દર્દીઓ માટે જોખમી બની જતો હતો.

દર્દીઓ માટે અત્યંત જોખમી કેમ?
બ્લડ પ્લાઝમા એ માનવ લોહીનો અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટક છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ ઇમ્યુનોગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન અને ક્લોટિંગ ફેક્ટર જેવા જરૂરી ઘટકો એટલે કે એન્ટી કેન્સર ડ્રગ્સ (કેન્સર વિરોધી દવાઓ) બનાવવા માટે થાય છે. આ ઉપરાંત, હિમોફિલિયા અને એન્ટી-ઇમ્યુન ડિસઓર્ડર (રોગપ્રતિકારક શક્તિની ખામી) ધરાવતા દર્દીઓને સારવાર માટે આ પ્લાઝમા સીધો જ ચડાવવામાં આવે છે.