જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર!
Sukhnath Mahadev Temple, Jamnagar: જામનગર નજીક આવેલા સિક્કા ગામમાં, આશરે 200 વર્ષ જૂનું અને અતિ પ્રાચીન સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, જે શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં ધર્મેન્દ્રપૂરી ધીરજપુરી ગોસ્વામી અને તેમનો પરિવાર છેલ્લા ચાર પેઢીથી સેવા પૂજા કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના ચારેય સોમવારે અહીં ભગવાન શિવના વિવિધ દર્શનોની ઝાંખી તૈયાર કરવામાં આવે છે.
₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા
આ વર્ષે, સુખનાથ મહાદેવ મંદિરના સમગ્ર ગ્રુપ દ્વારા એક અત્યંત અનોખો અને વિશિષ્ટ શણગાર તૈયાર કરવામાં આવ્યો છે: ભગવાનને ₹5,55,555ની ચલણી નોટોથી શણગારવામાં આવ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ મંદિરના પૂજારી અને તેમની ટીમે આ શણગારની તૈયારી કરી હતી.
આ પણ વાંચો : માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું
સુખનાથ મહાદેવના આ દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી
શિવલિંગને ₹500ના દર ઉપરાંત ₹200, ₹100, ₹50, ₹20, ₹10 અને ₹5 રૂપિયાની નવી નકોર ચલણી નોટોના હાર સ્વરૂપે અને અલગ અલગ રીતે શણગારીને દિવ્ય દર્શનની ઝાંખી ઉભી કરવામાં આવી હતી. આ અનોખા દર્શનનો લ્હાવો લેવા માટે સિક્કા અને આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા અનેક શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન સુખનાથ મહાદેવના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રકારનો શણગાર ભક્તોમાં કુતૂહલ અને આસ્થા બંનેનો સંચાર કરી રહ્યો છે.