માતૃપ્રેમની ઢાલ, એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું
તસવીર : IANS, ENVATO
Air India plane crash : આઠ મહિનાનો ધ્યાંશ એર ઇન્ડિયાની ભીષણ વિમાન દુર્ઘટનામાં જીવિત બચી જનારી સૌથી નાની વયની વ્યક્તિ બની ગયો છે. 12 જૂનના રોજ બી. જે. મેડિકલ કૉલેજના સંકુલ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ IC171 ક્રેશ થઈ ત્યારે મનીષા કાછડિયાએ જીવના જોખમે પોતાના બાળકનું રક્ષણ કર્યું હતું. આગ અને ધુમાડાની વચ્ચે માતાએ પોતાના શરીરને ઢાલ બનાવીને ધ્યાંશને સલામત રાખ્યો હતો. હવે પાંચ અઠવાડિયાની સારવાર પછી હાલમાં માતા-પુત્રને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આગ સોંસરવા દોડીને માતાએ અપાર સાહસ દાખવ્યું
ધ્યાંશના પિતા કપિલ કાછડિયા બી. જે. મેડિકલ કૉલેજમાં યુરોલૉ જીના સુપર-સ્પેશિયાલિટી રેસિડન્ટ ડૉક્ટર છે. દુર્ઘટનાની રાતે તેઓ હૉસ્પિટલમાં ડ્યુટી પર હતા. એર ઇન્ડિયાનું વિમાન બી. જે. મેડિકલ કૉલેજના ક્વાર્ટર્સ પર ક્રેશ થયું ત્યારે મનીષા કાછડિયા તેમના આઠ મહિનાના દીકરા ધ્યાંશ સાથે ઘરમાં એકલા હતા. ઘરમાં ચારેતરફ આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા ફેલાઈ રહ્યા હતા. આવા ડરામણા માહોલમાં ભલભલાની હિંમત ભાંગી પડે ત્યારે મનીષાએ અપાર સાહસ દાખવીને પોતાનો અને પોતાના બાળકનો જીવ બચાવ્યો હતો.
માતાએ પોતાની પરવા કર્યા વિના દીકરાનો જીવ બચાવ્યો
મનીષા પોતે પણ દાઝી ગયા હતા, પરંતુ તેમની પ્રાથમિકતા ધ્યાંશને બચાવવાની હતી. એટલે તેણે ધ્યાંશને ઉઠાવીને આગ અને ધુમાડા વચ્ચે દોટ મૂકી. દીકરાને આગ ન સ્પર્શે એ રીતે માતાએ તેને પોતાની સોડમાં લપેટી લીધો હતો.
આ ઘટનાને યાદ કરતાં મનીષા કહે છે કે, ‘વાતાવરણમાં એકાએક અંધારું છવાઈ ગયું અને અમારું આખું ઘર આગનો ગોળો બની ગયું. મેં ધ્યાંશને ઉપાડી લીધો અને ઘરની બહાર ભાગવાનો પ્રયત્ન કર્યો. ધુમાડા અને આગની જ્વાળાઓને લીધે સામે શું હતું એ જોવું લગભગ અશક્ય થઈ ગયું હતું. એક ક્ષણે તો લાગ્યું કે અમે બચી શકીશું નહીં, પણ મારે મારા બાળક માટે મોત સામે લડવું હતું. એ દુર્ઘટનાને લીધે અમે જે શારીરિક અને માનસિક પીડા સહન કરી છે, તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.’
ડૉક્ટરોએ અથાક મહેનતથી ધ્યાંશને બચાવ્યો
ધ્યાંશને ઉઠાવીને ઘરની બહાર નીકળવામાં મનીષા સફળ તો થયા પરંતુ તેમના ચહેરા અને હાથનો 25% હિસ્સો બળી ગયો. જ્યારે ધ્યાંશના શરીરનો 36% ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો. બંનેને ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં ધ્યાંશને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ(PICU)માં રાખવામાં આવ્યો. નાનકડા બાળકને શ્વાસ લેવા માટે વેન્ટિલેટર સપોર્ટની જરૂર હતી. સાથોસાથ તેને ફ્લુઇડ રિસસિટેશન, બ્લડ ટ્રાન્સફ્યુઝન અને વિશિષ્ટ સંભાળની પણ જરૂર પડી.
જીવ બચાવનાર માતાએ બાળકને ત્વચા પણ દાન કરી
આ દરમિયાન ધ્યાંશના ફેફસાંમાંથી લોહીનો આંતરિક સ્ત્રાવ થઈ રહ્યો હતો. ફક્ત આઠ મહિનાનો હોવાથી તેને ચેપ લાગવાની અને તેની સારવારમાં જટિલતા ઊભી થવાની શક્યતા ખૂબ વધારે હતી, પરંતુ ખાનગી હૉસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમે શ્રેષ્ઠ પ્રયાસો કરીને ધ્યાંશની જિંદગી બચાવી લીધી. એ ટીમમાં ધ્યાંશના પિતા ડૉ. કપિલનો પણ સમાવેશ થતો હતો. ધ્યાંશના દાઝેલા અંગોની પ્લાસ્ટિક સર્જરી કરવાની જરૂર પડી ત્યારે મનીષાએ જ તેને પોતાની ત્વચાનું દાન કર્યું. આમ માતા ફરી એકવાર દીકરા માટે તારણહાર સાબિત થઈ.
હૉસ્પિટલે એક પૈસો પણ ન લીધો
ધ્યાંશ અને મનીષાની સારવાર માટે ખાનગી હૉસ્પિટલે એક પૈસો પણ નથી લીધો. એ બે ઉપરાંત દુર્ઘટનામાં ઘાયલ થયેલા બીજા ચાર લોકોની પણ આ હૉસ્પિટલે મફત સારવાર કરી છે. પાંચ અઠવાડિયાની સઘન સારવાર અને સંભાળ પછી મનીષા અને ધ્યાન બંનેને હવે હૉસ્પિટલમાંથી રજા અપાઈ આવી છે. માતાના પ્રેમ અને હિંમતે આગ અને ભાગ્ય બંનેને પડકારીને પુત્રનો જીવ બચાવ્યો હોય, એવો આ વિરલ કિસ્સો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે.