Get The App

જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં શ્રાવણનો મહિમા: ઈચ્છેશ્વર મહાદેવ ખાતે ચંદ્રમોલેશ્વર, ઓમકારેશ્વર મંદિરે અમરનાથની દિવ્ય ઝાંખી 1 - image


The Glory of Shravan in Jamnagar: 'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય માહોલ છવાયો છે. શહેરના નાના-મોટા શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, જ્યાં વિવિધ દર્શનની ઝાંખીઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રાવણના પ્રથમ સોમવારે બે મુખ્ય મંદિરોમાં દિવ્ય દર્શનનો લહાવો ભક્તોને મળ્યો હતો.

આ પણ વાંચો: શ્રાવણના પહેલા સોમવારે હર હર મહાદેવના ઘોષથી ગુંજ્યું સુરત : શિવ ભક્તોનું ઘોડાપુર

ઈચ્છેશ્વર મહાદેવે ચંદ્રમોલેશ્વર સ્વરૂપ ધારણ કર્યું

ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે દેવાધિદેવ મહાદેવના વિશેષ દર્શન રૂપે ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. મંદિરના પૂજારી અને ભક્તગણો દ્વારા ભગવાન ભોળાનાથના ચંદ્રમોલેશ્વર સ્વરૂપની મનમોહક ઝાંખી તૈયાર કરવામાં આવી, જેણે ઉપસ્થિત શિવભક્તોના મન મોહી લીધા હતા. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવજીની આરાધના કરી હતી. મંદિર પરિસરને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેણે ભક્તિમય વાતાવરણમાં વધારો કર્યો હતો.

ઓમકારેશ્વર મહાદેવે અમરનાથની ઝાંખી રચી

બીજી તરફ, જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે અદ્ભુત દર્શનની ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. અમરનાથના દર્શનની ઝાંખી!  મંદિરના પૂજારી મહેશભાઈ રાવલ, જેમના પરિવારની ચોથી પેઢી આ મંદિરમાં સેવા પૂજા કરી રહી છે, અને તેમની સમગ્ર ટીમ દ્વારા રૂ તથા અન્ય સામગ્રીનો ઉપયોગ કરીને હિમાલયના પહાડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની સાથે ભગવાન શિવજીની અન્ય ઝાંખી તૈયાર કરીને અન્નકૂટનો મહાપ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠાના દાંતામાં બોરડીયાળા શાળાએ જવા 40 વિદ્યાર્થીઓ જીવના જોખમે પાર કરે છે નદી

ઢોલ, નગારા અને ઝાલરના નાદ સાથે આરતી

આ મંદિરે પ્રતિદિન ઢોલ, નગારા અને ઝાલરના નાદ સાથે આરતી કરવામાં આવે છે, જેમાં આસપાસના વિસ્તારના અનેક શિવભક્તો નિયમિતપણે ઉપસ્થિત રહે છે. વિશેષરૂપે, આ શિવ મંદિરમાં શ્રાવણી અમાસના દિવસે તમામ પ્રકારના ધાન્ય (અનાજ) ના દર્શનની ઝાંખી પણ તૈયાર કરવામાં આવે છે, અને ભવ્ય અન્નકૂટનો મહાપ્રસાદ ધરવામાં આવે છે.

જામનગરના આ શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન યોજાતા આવા ભક્તિમય કાર્યક્રમો શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનું વાતાવરણ જીવંત રાખે છે.

Tags :