45 દિવસ માટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 6, જાણો કઈ ટ્રેનોને થશે અસર
Railway News: પશ્ચિમ રેલવેએ ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર ઊંચાઈ વધારવાની કામગીરીને લઈને 7 ઑગસ્ટથી 45 દિવસ મેગા બ્લોક જાહેર કર્યું છે. આ દરમિયાન પ્લેટફોર્મ સંપૂર્ણપણે બંધ રહેશે અને પ્લેટફોર્મ પર આવતી-જતી ટ્રેન ઉધનાના વૈકલ્પિક પ્લેટફોર્મ પર સંચાલિત કરવામાં આવશે.
મુસાફરોને પડી હાલાકી
નોંધનીય છે કે, પ્લેટફોર્મ નંબર 6નું ઉદ્ઘાટન આ વર્ષે જાન્યુઆરીમાં જ કરવામાં આવ્યું હતું. જોકે, હોળી અને ઉનાળાની રજા દરમિયાન પ્લેટફોર્મની ઊંચાઈ ઓછી હોવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો બાદ તેને સુધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજરના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મની ઊંચાઈ વધારવાનું કામ 5 ઑગસ્ટથી શરુ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ દરમિયાન, ઉધના ખાતે સમાપ્ત થતી ઘણી ટ્રેનોને સુરત ખસેડવામાં આવી છે. જેમાં નીચે મુજબની ટ્રેનનો સમાવેશ થાય છે.
કઈ ટ્રેન સુરત ખસેડવામાં આવશે?
- 19001- વિરાર-સુરત એક્સપ્રેસ
- 22827- પુરી-ઉધના એક્સપ્રેસ
- 69170- નંદુરબાર-ઉધના મેમુ
- 12935- બાંદ્રા ટર્મિનસ-ઉધના ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 69178- નંદુબાર-ઉધના મેમુ
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઘણી ટ્રેનોના પ્લેટફોર્મ ફાળવણીમાં ફેરફાર કર્યો છે. પહેલા પ્લેટફોર્મ નંબર 6 પર ચાલતી ટ્રેનો હવે પ્લેટફોર્મ 2, 3, 4 અથવા 5 પરથી દોડશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં AAPનો વધુ એક લાફા કાંડ: ઈસુદાન ગઢવીને સવાલ કરનારા યુવકને કાર્યકરે ઝાપટ મારી
પ્રભાવિત ટ્રેનઃ
- ઉધના-દાનાપુર એક્સપ્રેસ
- ઉધના-પુરી એક્સપ્રેસ
- ઉધના-બનારસ એક્સપ્રેસ
- ઉધના-પાલઘર મેમુ
- ભુસાવલ અને નંદુરબાર તરફ જતી ટ્રેનો
આ સિવાય મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે, મુસાફરી પહેલાં પ્લેટફોર્મ વિશે અપડેટેડ જાણકારી તપાસી લે, તેમજ મેગા બ્લોક સમયગાળા દરમિયાન રેલવે કર્મચારીઓ સાથે સહયોગ કરે.
ઇન્ટરસિટી એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર
ઉધના-બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ (12935/12936) 7 ઑગસ્ટે ઉધના સ્ટેશન પર નહીં ઊભી રહે અને તેના બદલે સુરત સ્ટેશન જશે.
નવી યાદીઃ
- 12935 ઇન્ટરસિટી એક્સ્પ્રેસ- સવારે 10:35 વાગ્યે ઉધના જંક્શનને બદલે સુરત સ્ટેશન પર પહોંચશે.
- 12936 ઇન્ટરસિટી એક્સપ્રેસ- સાંજે 4:25 વાગ્યે ઉધના જંક્શનને બદલે સુરત સ્ટેશન પહોંચશે.