ગુજરાતમાં AAPનો વધુ એક લાફા કાંડ: ઈસુદાન ગઢવીને સવાલ કરનારા યુવકને કાર્યકરે ઝાપટ મારી
Man Slapped Due to Questioning Kejriwal Governance: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા સોમવારે (4 ઓગસ્ટ) મોરબીમાં 'ગુજરાત જોડો અભિયાન' હેઠળ જાહેર સભાનું આયોજન કરાયું હતું. જેમાં આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવકે કેજરીવાલ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. જોકે, આ પ્રશ્નથી ત્યાં હાજર આપના એક કાર્યકર્તા રોષે ભરાયા અને પ્રશ્ન કરનારને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ સભામાં ભારે હોબાળો થઈ ગયો હતો.
શું હતી ઘટના?
મોરબીના વાવડી રોડ પર આવેલા રાજનગરમાં યોજાયેલી સભામાં ઈસુદાન ગઢવી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક દિલ્હીમાં AAP સરકાર વિશે પૂછવા માટે સ્ટેજ પાસે પહોંચ્યો હતો. તેણે માઇક હાથમાં લીધું અને દિલ્હીમાં AAPનું શાસન અને યમુના નદી વિશે સવાલ કર્યો. જોકે, આ દરમિયાન એક AAP કાર્યકર્તાએ માઇક છીનવી લીધું અને જાહેરમાં તેને લાફો ઝીંકી દીધો. ત્યારબાદ ત્યાં ભારે હોબાળો થયો હતો. જોકે, થોડીવાર બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને બાદમાં ઈસુદાન ગઢવીએ યુવકના સવાલનો જવાબ પણ આપ્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી
યુવકે શું સવાલ કર્યો હતો?
આપની જાહેરસભામાં યુવકે સવાલ કર્યો હતો કે, 'દિલ્હીમાં યમુના નદીના પાણી ઘૂસી જાય છે. દસ વર્ષથી ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે, તો તેમણે શું કર્યું છે? આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર કરતી નથી તેવું તમે કહો છો, તો તમારા નેતાઓને 12 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. જો તેઓ નિર્દોષ હતા, તો તેમણે રાજીનામું કેમ ન આપ્યું? દિલ્હીમાં જે રીતે ઝૂંપડપટ્ટીઓ વસાવી છે, શું અહીં મોરબીમાં પણ એ જ રીતે ઝૂંપડપટ્ટી વસાવવામાં આવશે?'
ઈસુદાન ગઢવીનો જવાબ
આ મામલે, વિવાદ શાંત થતા ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યો કે, 'યમુના નદીમાં જે ગંદકી આવે છે તે દિલ્હીની નથી, પરંતુ ઉત્તરપ્રદેશ અને હરિયાણાથી આવે છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, યમુના કરતા પણ સાબરમતી નદી વધુ ગંદી છે.'
આ પણ વાંચોઃ કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન
નેતાઓ પર લાગેલા આરોપો અંગે તેમણે સત્યેન્દ્ર જૈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'તેમને અઢી વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. તેવી જ રીતે, અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે, આમાં કશું નથી, જેથી તેઓ પણ નિર્દોષ સાબિત થશે. જ્યારે ટ્રમ્પના પત્ની દિલ્હી આવ્યા હતા, ત્યારે તેમણે ત્યાંની સ્કૂલો જોઈ હતી. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જે લોકોને તમામ વસ્તુઓ મફત આપવા છતાં નફામાં ચાલે છે.'