મહેસાણા નજીક કંપનીમાં ક્રેઇન વીજલાઇનને અડી જતાં 2ના મોત, શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત
Mehsana News: મહેસાણા જિલ્લામાં શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત છે. ચોવીસ કલાકમાં બે અલગ-અલગ અકસ્માતમાં ચાર શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે. રવિવારે સાંજેમહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મંડાલી ગામ નજીક ફેબહિંદ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વીજકરંટ લાગવાથી બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને છ અન્ય ગંભીર રીતે દાઝી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં ક્રેન મશીન બંધ પડી જતાં કેટલાક શ્રમિકો તેને ધક્કો મારીને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કમનસીબે ક્રેનનો એક ભાગ ઉપરથી પસાર થઈ રહેલી હાઈ ટેન્શન વીજ લાઈનને અડી ગયો હતો. જેના કારણે પ્રચંડ વીજકરંટ લાગતા બિહારના રહેવાસી બે યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજન કુમાર ચૌધરીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય છ શ્રમિકોને ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ પણ વાંચો: મહેસાણાના સામેત્રા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ, બે શ્રમિકોના મોત, બે ઈજાગ્રસ્ત
દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે.
આ ઘટનાએ કંપનીમાં શ્રમિકોની સુરક્ષા અને સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું કંપની દ્વારા શ્રમિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવી હતી? શું આવા જોખમી કામ માટે પૂરતી તાલીમ અને સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા હતા? આ તમામ પ્રશ્નોની તપાસ પોલીસ કરી રહી છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી થવાની શક્યતા છે. આ એક જ દિવસમાં શ્રમિકોના મોતની બીજી ઘટના છે, જે સ્થાનિક વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.