મહેસાણાના સામેત્રા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ, બે શ્રમિકોના મોત, બે ઈજાગ્રસ્ત
Mehsana news: મહેસાણા-બહુચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક આવેલા APN સલ્ફર પ્લાન્ટમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે શ્રમિકોના ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. જ્યારે બે શ્રમિકોને ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણથતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આગનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
મળતી માહિતી અનુસાર, મહેસાણાના સામેત્રા ગામ નજીક ગઈ રાતે APN સલ્ફર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આસપાસ કામ કરતા શ્રમિકો આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ પ્રાથમિક વિગતો મુજબ કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટની અંદર તપાસ કરવામાં આવી, ત્યારે બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા. એક અન્ય શ્રમિક પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બિલ્ડરની હત્યા મામલે 3 શકમંદ રાજસ્થાનથી ઝડપાયા, કારમાંથી મળી હતી લાશ
આ મામલે મહેસાણા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે. પ્લાન્ટના મેનેજમેન્ટની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.