કડીમાં બે મહિલાઓએ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી, એક જ દિવસમાં બે અલગ અલગ ઘટના
Mehsana Crime: મહેસાણા જિલ્લાના કડીના કરણ નગર રોડ પર શનિવારે (4 ઓક્ટોબર) બપોરના સમયે બે અલગ-અલગ સોસાયટીમાં રહેતી બેમહિલાઓએ ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક જ વિસ્તારમાં થોડા કલાકોના અંતરે બનેલી આ ઘટનાઓને પગલે બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કડી પોલીસે બંને મામલે ગુનો નોંધી, આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત
હરસિદ્ધિ સોસાયટીમાં પ્રથમ ઘટના
પ્રાથમિક માહિતી અનુસાર, કડીના કરણનગર રોડ પર આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા જસ્મી પટેલે પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક મહિલાને નીચે ઉતારી કુંડાળની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થઈ ચુક્યું હતું. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાતા કડી પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે જસ્મી પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મહિલાના આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
ઓમકાર સોસાયટીમાં બીજી ઘટના
આ ઘટનાની ગણતરીના સમય બાદ કરણ નગર રોડ પર આવેલી ઓમકાર સોસાયટીમાં પણ બીજી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો. અહીં રહેતા પાયલ ગોસ્વામીએ પણ પોતાના ઘરના ઉપરના માળે પંખા સાથે સાડી બાંધીને ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને પણ તાત્કાલિક કડી-કુંડાળ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કડી પોલીસે પાયલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ 'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી
આત્મહત્યાનું કારણ અકબંધ
એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યાના બનાવથી સમગ્ર કડી શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસના સૂત્રો મુજબ, બંને મહિલાના આ પગલા પાછળ પારિવારિક તણાવ, આર્થિક સંકડામણ કે અન્ય કોઈ માનસિક કારણ જવાબદાર છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતક મહિલાઓના પરિવારજનો અને નજીકના સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી છે.