Get The App

'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
'શક્તિ' વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી 1 - image


Shakhti Cyclone: અરબ સાગરમાં 'શક્તિ' નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.

વાવાઝોડાની દિશા અને નબળું પડવાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર, 'શક્તિ' વાવાઝોડું પશ્ચિમ-દક્ષિણ તરફ આગળ વધવાની સંભાવના છે અને તે  રવિવારે (પાંચમી ઓક્ટોબર) ઉત્તરપશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે સોમવાર (છઠ્ઠી ઓક્ટોબર) સવારથી તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે અસર

ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે રવિવારે ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે અને પાકિસ્તાન દરિયાકાંઠે દરિયાની સ્થિતિ તોફાનીથી ખૂબ તોફાની રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તે મંગળવાર (સાતમી ઓક્ટોબર) સુધી ઉત્તર-પશ્ચિમ અરબ સાગર, ઉત્તરપૂર્વ અરબ સાગરના અડીને આવેલા વિસ્તારો, મધ્ય અરબ સમુદ્ર અને ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જાય.

રાજ્યમાં વરસાદનું ઍલર્ટ

અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે.


આ પણ વાંચો: મ્યુનિસિપલ તંત્ર ઉંઘતુ ઝડપાયું , પીરાણા ડમ્પસાઈટ ઉપર જ કેમિકલયુકત પાણી બેરોકટોક છોડાયું

મુંબઈ પર કેટલી અસર?

'શક્તિ' વાવાઝોડાને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. જોકે, હવામાન વિભાગના મતે આઠમી ઓક્ટોબર સુધી મુંબઈમાં ફક્ત હળવો, છૂટોછવાયો વરસાદ અથવા ઝરમર વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર મહારાષ્ટ્ર કિનારે 45-55 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મરાઠવાડા અને પૂર્વી વિદર્ભના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અરબ સાગરમાં ચક્રવાતની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં બંગાળની ખાડી કરતાં ઓછા ચક્રવાતો આવે છે. આ અગાઉ અરબ સાગરમાં તૌક્તે (2021) અને બિપોરજોય (2023) જેવા મોટા તોફાનો આવી ચૂક્યા છે. આ ચક્રવાતનું નામ 'શક્તિ' શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે.

Tags :