અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું
Ahmedabad Firing: ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ જેવા શહેરોમાં ફાયરિંગ અને ઘાતક હથિયારો લઈને ફરતા ગુંડાઓના સમાચાર જાણે સામાન્ય બની રહ્યા છે. એવામાં શહેરમાંથી વધુ એક ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં અજાણ્યા યુવકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જોકે, હત્યાએ પોલીસને ગોથે ચઢાવી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી છે. પરંતુ, ઘટનાસ્થળેથી પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી. તેથી, આ હત્યા છે કે, આત્મહત્યા તે તપાસવામાં પોલીસની SOG અને LCBની ટીમ ચકરાવે ચઢી છે.
શું હતી ઘટના?
અમદાવાદમાં મંગળવારે (5 ઓગસ્ટ) મોટી રાત્રે બોપલ વિસ્તારમાં કબીર એન્ક્લેવ પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કલ્પેશ ટુંડીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસસ્થાને આવ્યા હતા. આ દરમિયાન કલ્પેશની પત્ની અને દીકરી સાથે ઘરમાં નીચે હતો. થોડીવાર બાદ બંનેને ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું કે, ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતો. ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ભારે ડરનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બે અજાણ્યા શખસો આવ્યા હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ તેના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેણે સમગ્ર ગુનાની દિશા બદલી નાંખી હતી. આ મામલે પોલીસે હાલ, મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આ આપઘાત છે કે હત્યા તેનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી છે.
સ્યુસાઇડ નોટથી ગુંચવાયો કેસ
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. પરંતુ, જે હથિયારથી તેનું મોત નિપજ્યું છે, તે હથિયાર હજું સુધી મળ્યું નથી. જેના કારણે કેસની ગુંચવણ વધી છે. હાલ, પોલીસ તપાસ કરી રહી છે કે, શું કલ્પેશે આપઘાત કર્યો હતો કે, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી? જોકે, આ મામલે એવી પણ શક્યતા છે કે, કોઈ સંબંધી અથવા પરિચિત દ્વારા ગભરાહટમાં અથવા જાણીજોઈએન હથિયારને ઘટનાસ્થળેથી દૂર કરવામાં આવ્યું હોય. પોલીસ હાલ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે.'
આ પણ વાંચોઃ બાવળાના મીઠાપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત થતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું
હાલ, બોપલ પોલીસ સ્ટેશનની LCB શાખા અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. વરિષ્ઠ અધિકારીઓેએ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ફોરેન્સિક નિષ્ણાંતોને સ્થળ પરથી પુરાવાઓનું વિશ્લેષણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સિવાય પોલીસ બે મુલાકાતીઓની ગતિવિધિ શોધવા તેમજ તે આ મોત સાથે કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તે વિશે તપાસ કરી રહી છે. આ સિવાય CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હાલ, પોલીસે કલ્પેશની પત્ની અને દીકરીની પૂછપરછ હાથ ધરી છે. જોકે, તેમના નિવેદનમાં પણ વિવિધતા જોવા મળી રહી છે.