Get The App

હજારો મૃતદેહ શોધ્યાં, 200ને જીવતા બચાવ્યાં, ગોંડલના ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત થતાં લોકો ભાવુક

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
હજારો મૃતદેહ શોધ્યાં, 200ને જીવતા બચાવ્યાં, ગોંડલના ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત થતાં લોકો ભાવુક 1 - image


Gondal News : ગોંડલમાં નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનમાં 40 વર્ષની નોકરી કરીને ફાયર બ્રિગેડ જવાન નિવૃત્ત કિશોરભાઈ ગોહિલ વયમર્યાદાના કારણે તાજેતરમાં નિવૃત્ત થતાં ભાવસભર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ બાબત નવી નથી, પણ આ ફાયર જવાનની સિધ્ધિ કંઈક અલગ છે. તેમણે ફરજકાળમાં પાણીમાં ડૂબેલા 1000થી વધુ લોકોનાં મૃતદેહો શોધ્યા, તો 200 લોકોને જીવતા પણ કાઢ્યા હતા. સૌરાષ્ટ્રના કોઈપણ ડેમમાં ડૂબેલી વ્યક્તિ મળે નહીં ત્યારે ઊંડા પાણીમાં શોધખોળમાં પારંગત ગોંડલના ફાયર જવાન કિશોરભાઈ તરવૈયાની મદદ લેવાતી હતી.

ગોંડલ ફાયર બ્રિગેડમાં નોકરી કરતા કિશોરભાઈ ગોહિલને બધા કિશોરભાઈ તરવૈયા તરીકે જ ઓળખે છે. તેઓએ પોતાની ફરજને ધર્મ સમજીને 40 વર્ષ નોકરી કરી છે. નોકરી દરમ્યાન  સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં ઊંડા પાણીમાં ડૂબેલા 1000 થી  વધુ મૃતદેહો શોધી ફરજ સાથે માનવતા પણ નિભાવી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં કોઈપણ આપત્તી સમયે તેમણે હંમેશા તત્પર બની જોખમ ખેડીને ફરજ બજાવી છે. તેમને 40 વર્ષની નોકરી દરમ્યાન અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા 100 થી વધુ વખત સન્માનિત કરવામાં આવ્યા છે. 

તેઓ કહે છે કે, 'અમારે તરવૈયા તરીકે નદીનાં પુરની થપાટથી અનેક યાતના અને થાક સાથે ઘણી વખત મોતની સામે પણ ઝઝૂમવું પડતું હોય છે. અનેક વખત મૃતદેહ શોધવાનું કાર્ય ચાલુ હોય કુવા ઉપરથી મોટા પથ્થરો પણ પડવાના બનાવો બન્યા છે. તળાવમાં ઊંડા પાણીમાં મૃતદેહ શોધતી વેળાએ પાણીમાં રહેલા કાંટા-ઝાંખરા લાગે છે. અનેક વખત ગંદુ પાણી પી જવાય છે. ડેમ-નાળામાં ધસમસતા પૂરના પ્રવાહમાં ભેખડમાં અથડાઈ જવાય છે. જીવજંતુ અને સાપ શરીર પર ચોંટી જવા અને કરડી જવાના બનાવો પણ બન્યા છે. મૃતદેહ શોધતી વેળાએ અનેક વખત જીવ જોખમમાં મુકાઈ જવા છતાં શોધખોળ ચાલુ રાખી છે.' તેમ જણાવીને કહ્યું કે, હવે માનવતાવાદી કાર્ય નિવૃત્તિ બાદ પણ જ્યાં જરૂર પડે ત્યાં કાર્ય ચાલુ રાખવા તત્પર રહેશે.

કંઈપણ ખાધા-પીધા વિના 36-36 કલાક મૃતદેહ શોધ્યા

ફાયર જવાન કિશોરભાઈ તરવૈયા કહે છે કે, કોઈપણ નદી, નાળા, કુવા, તળાવ, ડેમોમાં પાણીમાં ગરક થયેલા વ્યક્તિને શોધવા માટે મેસેજ મળે એટલે તે કોઈપણ ગામ કે શહેર જઈને અજાણી ધરતી પર પોતાનું કાર્ય આરંભી દેતા, પછી પાણી ભલે વિશાળ નદીમાં ઘુઘવાટા મારતું હોય કે ઊંડા કૂવામાં મૃતદેહની શોધખોળ કરવાની હોય. ખાધા પીધા વગર 36-36 કલાક કંઈપણ ખાધા-પીધા વગર સર્ચ ઓપરેશન કર્યા છે. 

સુરત પૂરપ્રકોપ સમયે ગયા એ સમયે જ પુત્રને ગુમાવ્યો

ફાયર બ્રિગેડ જવાન કિશોરભાઈને સુરતમાં થયેલી વર્ષ ૨૦૦૬ની જળ હોનારત વેળાએ ગોંડલથી ખાસ મોકલવામાં આવ્યા, પણ ત્યાં પહોંચતા અહીં તેમનો યુવાવયનો પુત્ર વાહન અકસ્માતમાં મૃત્યુ પામતા પરત બોલવામાં આવ્યા હતા. આમ છતાં આઠમા દિવસે મૃતદેહ શોધવાનો સાદ પડતા ગોંડલના આશાપુરા ડેમમાં ડૂબેલી વ્યક્તિને શોધવા પહોંચી ગયા હતા.


Tags :