Get The App

જામનગર અને જોડિયાના બે દારુના ધંધાર્થીઓની 'પાસા' હેઠળ અટકાયત કરી લઇ જેલમાં મોકલી દેવાયા

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર અને જોડિયાના બે દારુના ધંધાર્થીઓની 'પાસા' હેઠળ અટકાયત કરી લઇ જેલમાં મોકલી દેવાયા 1 - image

જામનગર જિલ્લામાં 'પ્રોહીબુટલેગર' સામે 'પાસા' હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય, તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા સહિતની ટીમ દ્વારા અગાઉ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા ઇસમો સામે 'પાસા' હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાને મોકલવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ જારી કરવામાં આવતાં પોલીસે તાત્કાલિક તેની અમલવારી કરી હતી. જેમાં કિશનભાઇ નાથાભાઇ ગીગડ (રહે. વિક્ટોરીયા પુલ પાસે, જામનગર)ની પાસા હેઠળ અટકાયત કરી લઈ સાબરમતી, અમદાવાદ ની સાબરમતી જેલમાં તેમજ જેઠાભાઈ કરમશીભાઈ જુથર (રહે. હડિયાણા ગામ, તા. જોડીયા)ને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફ તેમજ જોડીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે, તેવી પોલીસ તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.