જામનગર શહેરમાં વાહનચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી એક બાઇક અને એક કારની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં જામનગરના ખોડીયાર કોલોની, હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા ધવલ નેભાભાઈ ચાવડાએ ગત તા. 1 જૂનના રોજ પોતાનું જીજે-10-ડીસી-7863 નંબરનું બાઇક બ્રાહ્મણ બોર્ડિંગ નજીક પાર્ક કર્યું હતું. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજા બનાવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે રહેતા કાનજીભાઈ મેઘજીભાઈ પરમાર પોતાની જીજે-37-બી-1971 નંબરની અંદાજે રૂ. 3 લાખ કિંમતની કાર જી.જી. હોસ્પિટલ પાસે હિંમતનગર રોડ પર પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો કારની ચોરી કરી લઈ ગયા હતા.
બંને બનાવોની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે ગુના નોંધી વાહનચોરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરમાં સતત વધી રહેલી વાહનચોરીની ઘટનાઓને લઈને વાહન માલિકોમાં ચિંતા વ્યાપી છે.


