Get The App

ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપાયા

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત-મુંબઈના વેપારીઓને લૂંટતી ગેંગનો પર્દાફાશ: નકલી આંગડિયા કર્મી બની ઠગાઈ કરતા ભેજાબાજ ભુજથી ઝડપાયા 1 - image

Ahmedabad Crime: નકલી વેપારી અને આંગડિયા પેઢીના કર્મચારીનું બનીને ગુજરાત અને મુંબઈના વેપારીઓને લૂંટતા બે ઠગને કાગડાપીઠ પોલીસે ભુજ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે 36 વર્ષીય જગદીશ ઠક્કર અને તેના સાથીદાર 37 વર્ષીય મુકેશ સોરઠીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓએ છેલ્લા 7 વર્ષ દરમિયાન અલગ-અલગ વેપારીઓ પાસેથી એક કરોડ રૂપિયાથી પણ વધુનો માલ અને રોકડ પડાવી લીધી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હાલ આરોપી પાસેથી રોકડ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભુજથી બંને આરોપી ઝડપાયા

મળતી માહિતી મુજબ, થોડાક સમય પહેલા અમદાવાદ શહેરના ગીતામંદિર વિસ્તારના બે મોબાઈલ એસેસરીઝના વેપારીઓએ કાગડાપીઠ પોલીસ મથકમાં આંગડિયા પેઢીના નામે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ પછી વડોદરાના અન્ય એક વેપારીએ પણ પોતાની સાથે થયેલી સમાન પ્રકારની ઠગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ બંને ઘટનાઓ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ભુજથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા.

ચોક્ક્સ પ્લાનિંગ સાથે લૂંટને અંજામ આપતા 

આરોપી જગદીશ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ વેપારીઓના નંબર મેળવીને તેમની પાસે ઓનલાઈન ફોટા મંગાવતો અને બિલ બનાવડાવતો. જેમાં આરોપી વેપારીને કહેતો કે તેણે બિલ કરતાં 10થી 15 હજાર રૂપિયા વધારે આંગડિયામાં જમા કરાવ્યા છે. આ જ સમયે તેનો મિત્ર મુકેશ આંગડિયા પેઢીનો કર્મચારી બનીને ફોન કરતો અને બોગસ ટોકન નંબર આપીને સવારે પૈસા લઈ જવા કહેતો. ત્યારબાદ જગદીશ ફરી ફોન કરીને વેપારીને વિનંતી કરતો કે તેણે જે વધારાના 10-15 હજાર મોકલ્યા છે, તે અન્ય વેપારીને આપવાના હોવાથી તેને ક્યૂઆર કોડ પર તાત્કાલિક ટ્રાન્સફર કરી દઉં, જેથી વેપારી વિશ્વાસમાં આવી છેતરપિંડીનો ભોગ બનતા અને પછી રૂપિયા ગુમાવતા હતા.

છેલ્લા સાત વર્ષથી વેપારીઓને શિકાર બનાવતા 

આ બંને છેલ્લા સાત વર્ષથી આ જ રીતે પ્લાનિંગ કરીને ગુજરાતના અલગ-અલગ શહેરોના વેપારીઓને શિકાર બનાવતા હતા. તેઓ એક જ વેપારી પાસેથી મોટી રકમ પડાવવાને બદલે માત્ર 10થી 15 હજાર રૂપિયાની જ છેતરપિંડી કરતા હતા. રકમ નાની હોવાને કારણે મોટાભાગના વેપારીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હતા, જેનો સીધો ફાયદો આ ઠગને મળતો રહ્યો અને ઘણાં સમય સુધી પોલીસની નજરથી બચતા રહ્યા.

આ પણ વાંચો: અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખસોની ધરપકડ

આરોપી જગદીશ અગાઉ મુંબઈમાં રહેતો હતો અને ત્યાં જ તેણે આ પ્રકારની ઠગાઈ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. મુંબઈમાં પણ તેણે આ જ રીતે આશરે એક કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની સ્વીકાર્યું છે. આ બંને ઠગે માત્ર મોબાઈલ એસેસરીઝ જ નહીં, પરંતુ કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, કટલેરી, પાકીટ, બેલ્ટ, ખારીસિંગ અને મરચાં સહિતની અનેક ચીજવસ્તુઓના વેપારીઓને પોતાની છેતરપિંડીનો ભોગ બનાવ્યા છે.