સોસાયટીઓમાં વૃક્ષોના ટ્રીમિંગ મુદ્દે AMCની પોલ ખુલી: પોલિસી અમલમાં પણ વ્યવસ્થાની ઘટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation : અમદાવાદમાં ખાનગી સોસાયટીઓનાં વૃક્ષોનું પણ ટ્રીમિંગ કરવાની પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જોકે, આ કામગીરી શરૂ કરતાં પહેલાં તેની માટે જરૂરી વાહનો અને અન્ય સંસાધનોની ઉપલબ્ધતાનો પૂરતો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે હવે સવાલો ઊભા થયા છે. શહેરમાં વૃક્ષોની ડાળીઓ કાપવા અને ટ્રીમિંગ માટે કુલ 28 વાહનો ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી હાલ માત્ર 24 વાહનો જ કાર્યરત છે. બીજી તરફ, કામગીરીના વધેલા વ્યાપને ધ્યાનમાં રાખીને શહેરમાં અંદાજે 198 વાહનોની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી અછત વચ્ચે ખાનગી સોસાયટીઓની જવાબદારી પણ ઉમેરવામાં આવતાં તંત્ર સામે કામગીરી પૂર્ણ કરવાનો પડકાર ઊભો થયો છે.
વૃક્ષોના ટ્રીમિંગ માટે વાહનોની અછતનો મુદ્દો ચર્ચામાં
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વૃક્ષોના ટ્રીમિંગ માટે વાહનોની અછતનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. અત્યાર સુધી શહેરના જાહેર વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી કરવામાં આવતી હતી, પરંતુ હવે ખાનગી મિલકતો અને સોસાયટીઓમાં આવેલા વૃક્ષોનું પણ ટ્રીમિંગ કરવાની પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. તેના કારણે કામગીરીનો વ્યાપ વધ્યો છે. જોકે, ઉપલબ્ધ વાહનોની સંખ્યા અને વધેલી જવાબદારી વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
198ની જરૂર સામે માત્ર 24 વાહનો કાર્યરત
શહેરમાં ટ્રીમિંગ માટે કુલ 28 વાહનો ઉપલબ્ધ હોવા છતાં તેમાંથી માત્ર 24 વાહનો જ હાલમાં કાર્યરત છે. બીજી તરફ, સમગ્ર શહેરમાં આ કામગીરી યોગ્ય રીતે કરવા માટે અંદાજે 198 વાહનોની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. એટલે કે હાલ કાર્યરત વાહનોની સરખામણીએ અંદાજે 174 વાહનોની અછત છે. આ સ્થિતિમાં ખાનગી સોસાયટીઓનાં વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની પોલિસી અમલમાં મૂકતાં પહેલાં વાહનો, મેનપાવર અને અન્ય જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.




