અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની, એક વર્ષમાં 73 કલાક વેડફાયા

Ahmedabad Traffic: અમદાવાદીઓ માટે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ સ્થિતિ સર્જી રહી છે. પિક અવર્સમાં ટ્રાફિકમાં ફસાવવાથી અમદાવાદીઓના એક વર્ષમાં સરેરાશ 73 કલાક વેડફાતા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં ટ્રાફિકમાં સૌથી વધુ કલાક વેડફાયા હોય તેવા શહેરમાં બેંગલુરુ 117 કલાક સાથે મોખરે જ્યારે અમદાવાદ 11માં સ્થાને છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રિંગ રોડ પરનો આ બ્રિજ અને અંડરપાસ 40 દિવસ બંધ રહેશે, ડાયવર્ઝન જાહેર
ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સાતમું સૌથી ધીમું શહેર
તાજેતરમાં એક સંસ્થા દ્વારા જીપીએસ ડેટાનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયની ટ્રાફિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે અનુસાર, અઠવાડિયાના પીક અવર્સ દરમિયાન અમદાવાદ અને મુંબઈ બંને શહેરોમાં પ્રવાસીઓને 10 કિલોમીટરનું અંતર કાપવામાં સરેરાશ 29 મિનિટ લાગે છે. ટ્રાફિક જામની દ્રષ્ટિએ અમદાવાદ ભારતનું સાતમું સૌથી ધીમું શહેર હતું. કોલકાતા 35 મિનિટ સાથે રાષ્ટ્રીય સ્તરે સૌથી ધીમું શહેર હતું. હૈદરાબાદમાં 32 મિનિટ અને ચેન્નઈમાં આ અંતર કાપવામાં 30 મિનિટ લાગી હતી. કોલકાતા અને અમદાવાદ વચ્ચે માત્ર છ મિનિટનો તફાવત હતો.
અમદાવાદના ટ્રાફિક હોટ ઝોન પશ્ચિમમાં વસ્ત્રાપુર અને જુહાપુરાથી લઈને પૂર્વમાં લાલ દરવાજા અને કાલુપુર સુધી ફેલાયેલા છે, જ્યાં સવારે વાહનોની ગતિ 18.8૧ કિલોમીટર પ્રતિ કલાક સુધી ઘટી જાય છે અને સાંજના સમયગાળામાં તેની સ્પીડ વધુ ઘટીને 17.4 કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે. પાલડી, જીમખાના અને દાણાપીઠ જેવા મધ્ય વિસ્તારમાં પ્રવાસીઓ શહેરી સરેરાશનો અનુભવ કરે છે.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસની 50 ટકા જગ્યા ખાલી
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે સરકારે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3484 મંજૂર જગ્યાઓ સામે 1709 જગ્યાઓ ખાલી છે. આમ 50% જેટલી જગ્યા હજુ ખાલી છે. ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની 3484 મંજૂર જગ્યાઓ છે અને જેની સામે 1709 જગ્યાઓ ખાલી છે, જ્યારે 1775 જગ્યાઓ ભરાયેલી છે.