મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન બેઠકમાં જીવરાજ હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા રજૂઆત કરાઈ
ખાનપુર ભાજપ કાર્યાલય થી દરવાજા સુધી નોનવેજના વેચાણનો મુદ્દો ચમકયો
અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025
મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ટ્રાફિકની
સમસ્યા હળવી કરવા માટે જીવરાજ મહેતા હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા
રજૂઆત કરી હતી. ખાનપુરમા આવેલા ભાજપ કાર્યાલયની આસપાસથી લઈ ખાનપુર દરવાજા સુધી
જાહેરમા નોનવેજ ચીજોનુ થતુ વેચાણ તાકીદે બંધ કરાવવા પણ તેમણે રજૂઆત કરી હતી.
કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામા મળેલી એમ.પી., એમ.એલ.એ.ની સંકલન
સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્યે કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ
હોસ્પિટલમાં બંધ કરવામા આવેલ સોનોગ્રાફી ટેસ્ટ તાકીદે ફરી શરુ કરાવવા માંગણી કરી
હતી. શહેરની મધ્યમા ખાનપુર વિસ્તારમા
આવેલા ભાજપ કાર્યાલયથી લઈ ખાનપુર દરવાજા સુધીના રોડ ઉપર તથા નહેરૃનગર વિસ્તારમાં
રોડ ઉપર નોનવેજ ચીજોનુ વેચાણ કરાઈ રહયુ છે. આમ છતાં મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર દ્વારા કોઈ નકકર કાર્યવાહી કરવામા આવતી નહીં હોવાની રજૂઆત તેમણે મ્યુનિસિપલ
કમિશનરને કરી હતી.
જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિકટોરીયા
ગાર્ડનથી સારંગપુર દરવાજા સુધી નાંખવામા આવેલા બી.આર.ટી.એસ.કોરીડોરને દુર કરવા
કમિશનરને રજૂઆત કરી હતી. ઉપરાંત મધ્યઝોનમાં ગીતા મંદિર અને જગન્નાથ મંદિર પાસે
સ્લોટર હાઉસ આવેલુ હોવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ કારણથી સ્લોટર
હાઉસને સુએજ ફાર્મની જગ્યામા ખસેડવા રજૂઆત કરી હતી.