Get The App

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો

તા.૧ એપ્રિલથી કાર અને જીપ સિવાયના વાહન ચાલકો માટે મુસાફરી મોંઘી બનશે

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા  ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો 1 - image

વડોદરા, તા.26 ગુજરાતમાં નેશનલ હાઇવે પર સૌથી વધારે કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર તા.૧લી એપ્રિલથી વાહનોના ટોલ દરોમાં સામાન્ય વધારો કરવામાં આવ્યો છે જો કે કાર અને જીપના દરો યથાવત રખાયા છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે-૪૮ પર કરજણ તાલુકામાં ભરથાણા ટોલ પ્લાઝા પરથી સમગ્ર રાજ્યમાં સૌથી વધારે વાહનોની અવરજવર રહેતી હોવાથી ટોલની સૌથી વધુ વસૂલાત આ ટોલ પ્લાઝા પરથી થતી હોય છે. આ ટોલ પ્લાઝા પર દર વર્ષે ટોલના દરોની સમીક્ષા કર્યા બાદ તા.૧ એપ્રિલથી ટોલના દરોમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. આ વર્ષે પણ કાર અને જીપ સિવાય દરેક વાહનોના ટોલના દરોમાં વધારો કરાયો છે.

વડોદરા અને ભરૃચ જિલ્લાને જોડતા આ નેશનલ હાઇવેના ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પર હવે કાર તેમજ જીપ સિવાયના વાહનો માટે મુસાફરી તા.૧ એપ્રિલથી મોંધી થશે. નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા ટોલના દરોમાં વધારાની જાહેરાત સાથે જ ટોલ પ્લાઝા પર નવા દરો વસૂલવાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.


કરોડોનો ટોલ વસૂલતા ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનો માટે વેઇટ સિસ્ટમ જ નથી


વડોદરા જિલ્લાના નેશનલ હાઇવે પરના ભરથાણા ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનો માટે વેઇટ સિસ્ટમ જ અમલમાં નહી  હોવાથી વર્ષે લાખો રૃપિયાની આવક ગુમાવવી પડે છે.

નેશનલ હાઇવે ઓથોરિટિના નિયમ મુજબ મંજૂરી મળેલ લોડ કરતા વધારે લોડ સાથે કોઇ વાહન વહન કરશે તો તેની પાસે લાગુ ટોલ કરતા ૧૦ ગણો વધારે ટોલ અને હાઇવેનો ઉપયોગ કરવા માટે વધારાનો લોડ દૂર કરવો પડશે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટિનો આ નિયમ કરજણ તાલુકાના ટોલ પ્લાઝાને લાગુ પડતો જ નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે દર વર્ષે કરોડો રૃપિયાનો ટોલ ઊઘરાવતા આ ટોલ પ્લાઝા પર વેઇટ સિસ્ટમ જ અમલમાં નથી માત્ર એક્સેલ પેમેન્ટ જ લેવામાં આવે છે.


ટોલ પ્લાઝાના જૂના અને નવા દરો

વાહનનો પ્રકાર જૂનો દર(રૃા.) નવો દર(રૃા.)

કાર,જીપ ૧૫૫ ૧૫૫

મિની બસ એલસીવી ૨૫૦ ૨૫૫

ટ્રક, બસ ૫૨૦ ૫૩૦

થ્રી એક્સલ ૫૬૫ ૫૮૦

૪થી ૬ એક્સેલ ૮૧૫ ૮૩૫

ll