Gujarat

હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરવા પાંચ વર્ષમાં ૫૪૮ કરોડનું આંધણ છતાં પ્રદૂષણની માત્રામાં વધારો

By GS TEAM
21 Nov 20252 mins read
હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરવા  પાંચ વર્ષમાં ૫૪૮ કરોડનું આંધણ છતાં પ્રદૂષણની માત્રામાં વધારો

અમદાવાદ,શુક્રવાર,21 નવેમ્બર,2025

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર કવોલીટી ઈન્ડેકસ ૨૦૦ નોંધાઈ રહયો છે.હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા ૫૪૮ કરોડનું આંધણ કરાયુ છે.આમ છતાં શહેરમા હવાના પ્રદૂષણની માત્રામા સતત વધારો થઈ રહયો છે.શહેરને ચોખ્ખુ રાખવાથી લઈ અન્ય નિયમો લોકોના માથે થોપનારા એવા શહેરના મેયર,મ્યુનિસિપલ કમિશનર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે વિપક્ષનેતા એકપણ હોદ્દેદાર પ્રદૂષણ ઘટાડવા ઈલેકટ્રિક કાર ઉપયોગમા લેતા જ નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ મળીને કુલ ૧૪૬ કાર ઈલેકટ્રિક નહીં હોવાથી શહેરના પ્રદૂષણમાં વધારો થતો હોવાનો આક્ષેપ મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ કર્યો હતો.

અમદાવાદની સતત ઝેરી બની રહેલી હવાને લઈ શુક્રવારે મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે રજૂઆત કરી હતી. આ રજૂઆતને કાઉન્ટર કરવા  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનથી  લઈ કેટલાક કોર્પોરેટરોએ પ્રયાસ કર્યા હતા.પરંતુ તેઓને બેસાડી દેવાની મેયર પ્રતિભા જૈનને ફરજ પડી હતી.દર વર્ષે શહેરમાં રોડ રીસરફેસ કરવા,નવા બનાવવા સહિતની કામગીરી કરવા પાછળ રુપિયા બે હજાર કરોડનો ખર્ચ કરાય છે.આમ છતાં એર કવોલીટી કંટ્રોલ પ્રોગ્રામ માટે મળતી ગ્રાન્ટ પૈકી ૫૦ ટકા રકમ રોડની કામગીરી માટે ખર્ચ કરવામા આવે છે.કોર્પોરેશનના પોતાના વાહનોમાં ઈલેકટ્રિક વાહનો નથી,કોર્પોરેશનના જ મોટાભાગના બિલ્ડિંગોમાં સોલાર પેનલ નથી.આમ છતાં શહેરીજનોને ઈલેકટ્રિક વાહનનો ઉપયોગ કરવા તથા સોલાર પેનલ લગાવવા સલાહ અપાય છે તેવો બેઠકમાં આક્ષેપ કરાતા ભાજપના કોર્પોરેટરો અકળાઈ ગયા હતા.અમદાવાદમાં હવાની ગુણવત્તા સુધારી શકાતી નથી.છતાં શહેર આસપાસ આવેલા ગાંધીનગર,બાવળા સહિતની પાલિકાને હવાની ગુણવત્તા સુધારવા ગ્રાન્ટની ફાળવણી કરાય છે.તેવા આક્ષેપના જવાબમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, રાજય સરકાર તરફથી કોર્પોરેશનને આપવામા આવતી ગ્રાન્ટ પૈકી રકમની ફાળવણી કરવામા આવી છે.

પ્રદૂષણ ઘટાડવા મળેલી ગ્રાન્ટનો કયાં ઉપયોગ કરાયો?

-વર્ષ-૨૦૨૪-૨૫માં રોડ રીસરફેસ કરવા ફુટપાથ બનાવવા રુપિયા ૯૬ કરોડનો ખર્ચ

-ગ્રીન કવર વધારવા, રસ્તા ઉપરનો કચરો દુર કરવા રુપિયા ૩૦ કરોડનો ખર્ચ

-નવા ગાર્ડન ડેવલપ કરવા રુપિયા ૫૦ કરોડનો ખર્ચ

-ઈલેકટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવા રુપિયા ૧૦ કરોડનો ખર્ચ

-જંકશન ડેવલપ કરી ફ્રી લેફટ સાઈડ કરવા ૬ કરોડનો ખર્ચ

-વર્ષ-૨૦૨૫-૨૬માં રોડ-ફુટપાથ બનાવવા રુપિયા ૫૦ કરોડનો ખર્ચ

-એએમટીએસ બસ માટે ઈલેકટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવા ૧૨ કરોડનો ખર્ચ

-ગાંધીનગર,બાવળા,સાણંદ ,કલોલ પાલિકાને હવાની ગુણવત્તા સુધારવા

માટે રુપિયા ૧૮ કરોડની ફાળવણી

એ.એમ.ટી.એસ.બી.આર.ટી.એસની મળી માત્ર ૨૪૨ બસ ઈલેકટ્રિક

કોર્પોરેશને ઈલેકટ્રિક વાહનના વપરાશમાં વધારો થાય એ માટે પોલીસી તો બનાવી છે.પરંતુ એ.એમ.ટી.એસ.ની ૧૦૨૦ પૈકી માત્ર પાંચ ઈલેકટ્રિક તથા બી.આર.ટી.એસ.ની માત્ર ૨૩૫ બસ જ ઈલેકટ્રિક છે.

અમદાવાદમાં કયાંય એર કવોલીટી ઈન્ડેકસ ડિસપ્લે ચાલતા નથી

શહેરીજનોને કયા વિસ્તારમાં હવાના પ્રદૂષણની કેટલી માત્રા છે તેનો ખ્યાલ આવી શકે એ માટે કેટલાક વિસ્તારમાં કોર્પોરેશન તરફથી એર કવોલીટી ઈન્ડેકસ ડિસપ્લે લગાવાયા હતા.જે એક પણ વિસ્તારમાં ચાલતા નથી.ડોર ટુ ડોર કચરો એકઠો કરતા ૧૯૦૦ વાહનમાં એકપણ વાહન ઈલેકટ્રિક નથી.