Gujarat

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ

By GS TEAM
19 Nov 20252 mins read
TukuTouch Logo
ગેરકાયદે ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સમા, છાણી જવાહર નગરના વધુ ત્રણ ગેરકાયદે ઢોર વાડાનો સફાયો : રૂ.16000નો દંડ

Vadodara Cattle Shed : વડોદરા શહેરમાં ગૌ પાલકો દ્વારા પશુઓને સાચવવાના ઇરાદે કેટલાક વિસ્તારમાં ગેરકાયદે બનાવવામાં આવેલા ઢોર વાડા સામે પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે ત્યારે શહેરના સમા, છાણી અને જવાહર નગર વિસ્તારમાં કાર્યવાહી કરીને ગેરકાયદે કુલ ત્રણ ઢોરવાડા તોડી પાડ્યા હતા ઉપરાંત વિસ્તારમાં ફરતી ચાર ગાય કબજે લેવા સહિત રૂ.16000થી વધુ વસુલ કરીને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. ગેરકાયદે ઢોરવાડાના સફાયા વખતે પાલિકા કર્મીઓ સાથે ગૌપાલકો દ્વારા રકઝક પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં મોટાભાગના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં ગૌપાલકો દ્વારા પોતાના પશુને છૂટા મૂકી દેવામાં આવે છે. જ્યારે સમી સાંજે અને દોહવાના કારણે પશુપાલકો પોતાના પશુને ઢોર વાડામાં લઈ જાય છે. જે પૈકી કેટલાક પશુપાલકો પોતાના પશુને રાખવાના ઇરાદે ગેરકાયદે ઢોર વાડા પણ બનાવતા હોય છે. 

પરંતુ તાજેતરમાં નિઝામપુરા વિસ્તારમાં રોડ રસ્તા વચ્ચે આવેલા પશુથી બાઈક ચાલક અથડાઈને રોડ ડીવાઈડર સાથે ભટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું અવસાન થયું હતું. પરિણામે એક્શનમાં આવેલી પાલિકા ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે ઢોરવાડાનો સફાયો કરવાનું શરૂ કર્યું હતું. 

જેમાં સમા, છાણી સહિત જવાહરનગર વિસ્તારના મળીને ગેરકાયદે કુલ ૩ ઢોર વાડાનો સફાયો કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ સાથે રકઝક શરૂ કરી હતી પરંતુ તૈનાત પોલીસ કાફલાએ પશુપાલકોને સમજાવીને મામલો થાળી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં રખડતી મળેલી ચાર ગાય તથા ગેરકાયદે ઢોરવાડા બાબતે કુલ રૂપિયા 16000થી વધુ દંડની વસુલાત કરવામાં આવી હતી.