વડોદરા,વાઘોડિયા રોડની મેઘાનગર સોસાયટીમાં ચોર ટોળકી ચોરી કરતી હતી ત્યારે જ મકાન માલિક આવી જતા એક ચોરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે ચોર ભાગી ગયા હતા.
વાઘોડિયા રોડની મેઘાનગર સોસાયટીમાં રહેતા અનિલ બજરંગભાઇ કહાર બાપોદ હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી તારીખે રાત્રે ૮ વાગ્યે હું પરિવાર સાથે લગ્ન પ્રસંગે અમદાવાદ ગયો હતો. લગ્ન પ્રસંગમાંથી ગઇકાલે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે અમે ઘરે આવ્યા હતા. તે દરમિયાન અમારા ઘરના દરવાજાનો નકૂચો તોડીને ત્રણ આરોપીઓ ચોરીની કોશિશ કરતા હતા. અમને જોઇને ત્રણેય આરોપીઓ ભાગવા લાગ્યા હતા. જે પૈકી એક આરોપીને પીછો કરીને ઝડપી પાડયો હતો. તેને છોડાવવા માટે અન્ય આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. મેં બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. જેથી, બંને આરોપીઓ ભાગી છૂટયા હતા.પોલીસને કોલ કરતા પોલીસ આવી જતા પકડાયેલા આરોપી શેરાસિંહ કાલુસિંહ બાવરી (રહે. ગામ મારછળ, તા.માતર, જિ.ખેડા) હોવાનું જણાઇ આવ્યું હતું. આરોપીએ નજીકની તુલસી સોસાયટીમાં રહેતા અંકુર પટેલના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


