Get The App

કાલસરના તત્કાલીન તલાટીએ માહિતી નહીં આપતા રૂપિયા પાંચ હજારનો દંડ

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
કાલસરના તત્કાલીન તલાટીએ માહિતી નહીં આપતા રૂપિયા પાંચ હજારનો દંડ 1 - image

હાલ ફાગવેલમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા

આરટીઆઈ હેઠળ ગ્રામ પંચાયતના ખર્ચના વાઉચરો, બિલો અને મંજૂરીની માહિતી સમયમર્યાદમાં ન આપતા કાર્યવાહી

નડિયાદ: ખેડા જિલ્લાના કાલસર ગામના તત્કાલીન તલાટી કમ મંત્રીએ આરટીઆઈ હેઠળ માંગેલી વિગતો સમયમર્યાદામાં ન આપી હોવાથી રાજ્ય માહિતી આયોગે લાલ આંખ કરી છે. આ મામલે કસૂરવાર તત્કાલીન અધિકારી લલિત એન. પટેલને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ રકમ તેમના અંગત ભંડોળમાંથી જમા કરાવવા આદેશ અપાયો છે.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા કાલસર ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી અને હાલ ફાગવેલ ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા લલિત એન. પટેલ વિરૂદ્ધ માહિતી આયોગે કડક કાર્યવાહી કરી છે. એક અરજદાર દ્વારા કાલસર ગ્રામ પંચાયતના ખર્ચના વાઉચરો, બિલો અને મંજૂરીના કાગળો બાબતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવામાં આવી હતી. જોકે, જવાબદાર અધિકારી દ્વારા નિર્ધારિત ૩૦ દિવસની સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં આવી નહોતી. એટલું જ નહીં, પ્રથમ અપીલ અધિકારીના હુકમ છતાં અધિકારીની બદલી થઈ ત્યાં સુધી તેમણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો. રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન તત્કાલીન જાહેર માહિતી અધિકારીએ બચાવ કર્યોે હતો કે તેમની પાસે અન્ય ગામનો વધારાનો ચાર્જ હતો અને અરજદાર દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવી હોવાથી માહિતી આપી શકાયેલ નથી. જોકે, આયોગે આ ખુલાસાને ગ્રાહ્ય રાખ્યો નહોતો અને નોંધ્યું હતું કે, અધિકારીએ જાણી-બુઝીને માહિતી રોકી રાખી છે. આથી અધિનિયમની કલમ-૨૦(૧) મુજબ તેમને રૂ. ૫૦૦૦નો દંડ કરવામાં આવ્યો છે. જો આ રકમ તેઓ ૧૦ દિવસમાં જમા નહીં કરાવે તો તેમના પગાર-ભથ્થામાંથી કપાત કરી સરકારી તિજોરીમાં જમા લેવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે.

- અરજદારો માટે આયોગની ટકોર

માહિતી મેળવવા માટે કરવામાં આવતી અરજીઓમાં સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. આ કેસમાં આયોગે અવલોકન કર્યું હતું કે, અરજદારે ચોક્કસ વિગતો દર્શાવ્યા સિવાય લાંબા સમયગાળાના ખર્ચના તમામ પુરાવા માંગ્યા હતા. આ પ્રકારની માહિતી પૂરી પાડવામાં જાહેર સત્તામંડળના સ્ત્રોેતોનો અપ્રમાણસર ઉપયોગ થઈ શકે છે. આથી ભવિષ્યમાં માહિતી માંગતી વખતે જે-તે રેકોર્ડની ચોક્કસ વિગતો દર્શાવવા અરજદારને તાકીદ કરવામાં આવી છે.

- તંત્રની બેદરકારી પર આયોગના પ્રહાર

પ્રથમ અપીલ અધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારીના હુકમનું પાલન ન થવું તે ગંભીર બાબત છે. આયોગે નોંધ્યું હતું કે, અપીલ અધિકારીએ ૧૫ દિવસમાં માહિતી વિનામૂલ્યે આપવા હુકમ કર્યોે હોવા છતાં તેનું પાલન થયું નહોતું. ભવિષ્યમાં અપીલ અધિકારીઓએ પણ યોગ્ય વિચારણા કરીને અને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈને જ હુકમો કરવા જોઈએ તેવી સૂચના આપી તંત્રની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા હતા.