વેસુના સફલ સ્કેવરમાં રૂમ્સ એન્ડ વેલનેસ નામની હોટલમાંથી કૂંટણખાનું ઝડપાયું

- થાઇલેન્ડ અને કેન્યાની બે સહિત 8 લલના અને 6 ગ્રાહક તથા સંચાલક અને મેનેજરની ધરપકડ, હોટલના બે ભાગીદારને વોન્ટેડ જાહેર કર્યા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
વેસુના સફલ સ્કેવરમાં રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં મસાજ પાર્લરની આડમાં ધમધમતા કૂંટણખાના પર દરોડા પાડી પોલીસે બે વિદેશી યુવતી સહિત 16 વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉધના-મગદલ્લા રોડ વેસુ સ્થિત સફલ સ્કેવરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં દરોડા પાડયા હતા. જયાંથી હોટલ સંચાલક મીતુલ મગન પટેલ (ઉ.વ. 38 રહે. એ 203, ગોકુલધામ ટાઉનશીપ, ન્યુ ડીંડોલી), મેનેજર નફીસ અહેમદ અંસારી (ઉ.વ. 40), સ્પાના કર્મચારી સંજીત દેવેન મહંતો (ઉ.વ. 21 બંને રહે. એ 85, ઓફિસ નં. 1, સફલ સ્કેવર, ઉધના-મગદલ્લા રોડ) ઉપરાંત ગ્રાહક પિયુષ અશોક ઝડપીયા, સુમીત શશીભાઇ રાજપૂત, પારસ રમેશ જૈન, અંગદ મોતીપ્રસાદ પ્રજાપિત, કલીમ સલીમ સૈયદની ધરપકડ કરી હતી. જયારે દેહવિક્રય કરતી થાઇલેન્ડ અને કેન્યાની બે યુવતી સહિત 8 લલના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુક્ત કરી હતી. પોલીસ તપાસમાં હોટલમાં મસાજના બહાને શરીરસુખ માણવા આવનાર ગ્રાહક પાસેથી રૂ. 2 હજારની વસુલાત કરી રૂ. 1 હજાર લલનાને ચુકવતા હતા. પોલીસે હોટલમાંથી રોકડા રૂ. 8 હજાર, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 23 હજારનો મુદ્દામાલ અને કોન્ડોમના 8 નંગ કબ્જે લીધા હતા. ઉલ્લેખનીય છે કે હોટલના માલિક શૈલેષ કુવરજી કેવડીયા (રહે. 83, ભક્તિનગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા), ભાવેશ ભગવાન પટેલ (રહે. 10, જલારામનગર સોસાયટી, ડુંભાલ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.




