Get The App

યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
યુ-ટયુબમાં જોઇ કિશોરે 3 માસમાં 14 બાઇકની ઉઠાંતરી કરી 1 - image

ચોરાઉ બાઇક ખરીદનાર બીલખાના શખ્સની ધરપકડ : આજી ડેમ પોલીસે એક માસની મહેનતના અંતે આરોપીને ઝડપી લીધો : 14 બાઇક કબજે

 રાજકોટ, : શહેરમાં છેલ્લા ત્રણેક માસમાં 14 બાઇકની ચોરી કરી તરખાટ મચાવનાર 17 વર્ષનાં કિશોરને આજી ડેમ પોલીસે ઝડપી લીધો છે. તેની પાસેથી ચોરાઉ બાઇક ખરીદ કરનાર બીલખાના રાવતપરા શેરી નં.4માં રહેતા સરફરાઝ વિજય થીમ (ઉ.વ. 21)ની પણ પોલીસે ધરપકડ કરી હતી. 

આજી ડેમ પોલીસની હદમાંથી છેલ્લા ત્રણેક માસમાં સાતેક બાઇકની ચોરી થઇ હતી. જેને કારણે તેનો સ્ટાફ હેરાન હતો. કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ગોપાલ બોળીયા છેલ્લા એકાદ મહિનાથી તપાસમાં લાગેલા હતા. રાત્રે 2 થી 4 ની વચ્ચે જ મોટાભાગના બાઇકની ચોરી થઇ હોવાથી તે સમયે પણ પેટ્રોલીંગ કરતા હતા. આટલી મહેનત પછી આખરે આરોપીની ઓળખ મળતા ઝડપી લીધો હતો. 

તમામ ચોરાઉ બાઇક જૂનાગઢના સરફરાઝને દસેક હજાર જેવી પાણીની કિંમતે વેચી દીધાનું કબૂલાતા તેને પણ પોલીસે ઝડપી લીધો હતો. તેણે તમામ બાઇક બીલખાની આજુબાજુનાં ગામડાઓમાં વેચી દીધાની કબૂલાત આપતા તમામ બાઇક પણ પોલીસે કબજે કર્યા હતા. 

બાઇકની ચોરી કરનાર કિશોરના પિતા નાનપણમાં જ અવસાન પામ્યા હતા. મૂળ બિલખાનો વતની છે. પિતના અવસાન બાદ માતા સાથે રાજકોટ રહેવા આવી ગયો હતો. માતા ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તે આખો દિવસ કામે હોવાથી પુત્રનુ ધ્યાન રાખી શક્યા ન હતા. પાછળથી પુત્ર બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો.

તેણે એક દિવસ યુ-ટયુબમાં કઇ રીતે હેન્ડલ લોક વગરનાં બાઇક ચોરવા તેનો વિડીયો જોયો હતો. જેના આધારે એક દિવસ બાઇકની લાઇટનાં પાછળનાં ભાગે આવેલ સોકેટ તોડી ડાયરેક્ટ છેડા કરી ચોરી કરી હતી. જે આસાન લાગતા પછી એક પછી એક બાઇક ઉપાડતો ગયો હતો. મુખ્યત્વે મધરાત્રે કોઇપણ વિસ્તારમાં જઇ બાઇકની ચોરી કરતો હતો. મૂળ બિલખાનો વતની હોવાથી સરફરાઝને ઓળખતો હતા. જેથી તેને જ ચોરાઉ બાઇક વેચી દેતો હતો.