શિક્ષણ સહાયક ભરતી-2024: ઉ.માધ્યમિકમાં કામચલાઉ શાળા ફાળવણી, કોઈપણ એક ભરતી માટે સંમતિ આપવા ઉમેદવારોને સૂચન
AI Image |
Teaching Assistant Recruitment-2024: રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024ની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઉમેદવારોને 6 થી 10 જૂન, 2025 સુધીમાં ઓનલાઈન શાળા પસંદગી કરવા જણાવામાં આવ્યું હતું. શાળા પસંદગી આધારે શિક્ષણ વિભાગે મેરીટ કમ પ્રેફરન્સ મુજબ આજે 21 જૂનના રોજ કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી કરાઈ છે. આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફાળવવામાં આવેલી શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે. આમ કરવાથી શાળા પસંદગી કરેલી ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે.
મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરાઈ
ભરતી પસંદગી સમિતિના પરિપત્ર મુજબ, શિક્ષણ સહાયક ભરતી-2024 હેઠળ કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી. બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થઈ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપી હશે તે ભરતીમાંથી ઉમેદવારોને બાદ કરવામાં આવશ. જ્યારે આ પછી બાકી રહેલા ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી FINAL ALLOTMENT કરવામાં આવશે. FINAL ALLOTMENTમાં ફળવાયેલી શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય, તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત પ્રક્રિયા હાથ ધરાશે. આમ જે ઉમેદવારોએ કોઇપણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલી નહીં હોય તેમને ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે.