Gujarat

2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે

By GS TEAM
22 Nov 20252 mins read
2002ની મતદાર યાદીમાં ઘણાના નામ નથી, લોકો ફોર્મ ભરવાનું ટાળે છે

વડોદરાઃ બીએલઓ તરીકે ફરજ બજાવતા એક શિક્ષકની કામના ભારણના કારણે આત્મહત્યા બાદ આજે વડોદરામાં બીએલઓ સહાયક તરીકે ફરજ બજાવતા ગોરવા આઈટીઆઈના કર્મચારી ઉષાબેન સોલંકીનું ચૂંટણી કામગીરીની ફરજ દરમિયાન મોત થયું હતું.

એ પછી આજે વિવિધ સંગઠનોની વડોદરા શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ- સંકલન સમિતિએ આ બાબતે આજે કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી.રજૂઆત કરનારા હોદ્દેદારોએ એક વાતચીતમાં કહ્યું હતું કે, બીએલઓ પર કામનું ભારણ એટલે વધી રહ્યું છે કે, મતદારોમાં મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ નથી અને તેના કારણે ઘણા મતદારો ફોર્મ ભરવામાં રસ નથી બતાવતા.ઉપરાંત ૨૦૦૨ની યાદીમાં ઘણા મતદારોના નામ ગાયબ છે.લોકોને યાદીમાંથી નામ શોધવામાં ભારે મુશ્કેલી પણ પડે છે.જેના કારણે લોકો ફોર્મ ભરવાનું ટાળતા હોય છે.બીએલઓને ફોર્મ લેવા માટે એક જ ઘરના ત્રણ ત્રણ ધક્કા ખાવા પડતા હોય તેવું પણ બને છે.કેટલીક વખત બીએલઓને જાતે મતદારોના ફોર્મ ભરવા પડે છે.આ તમામ બાબતોના કારણે કામનું ભારણ વધી રહ્યું છે.ફોર્મ ભરાવવાની કામગીરી એક મહિનામાં પૂરી થાય તેમ નથી એટલે આ કામગીરીનો સમય વધારવાની જરુર છે.

સંકલન સમિતિએ બીએલઓ માટે કરેલી અન્ય માગણીઓ

--એકની જગ્યાએ અગાઉની જેમ બે થી ત્રણ લોગ ઈન કરવા માટે મંજૂરી અપાય

--મોડે સુધી શિક્ષકોને બેસાડી રાખવામાં ના આવે

--મતદાર યાદીની ઓનલાઈન કામગીરી આઉટસોર્સિંગ કરીને કરાવવામાં આવે

--જે શિક્ષકોના મૃત્યુ થયા છે તેમને એક કરોડની સહાય મળે

--સર્વરને અપડેટ કરવામાં આવે

--શિક્ષકોની સાથે તેમની ગરિમા જળવાય તેવો વ્યવહાર કરવામાં આવે

--શિક્ષકોને અપાયેલી નોટિસો પાછી ખેંચવામાં આવે